Tuesday, 31 March 2015

ગઝલ  !

ઉદાસ  તારો  ચહેરો  છે,
ઘાવ   કંઈક   ગહેરો  છે !

કેમ પ્રવેશી શકું તુજમાં ,
અપેક્ષાઓનો પહેરો  છે  !

હું  રહું  છું  ઠાઠ  માઠથી ,
સંબંધોનો   ઉમેરો    છે ! 

ગુલામ છું તારા પ્રેમનો,
ટાપટીપ નો  ઠઠેરો   છે !

નહીં સંભળાય કોઈનેય ,
સમાજ  આ  બહેરો   છે !

ઊછળતું   દૂર  ઘોડાપૂર,
ઈશ્કની  આ   લહેરો  છે ! 

જાન  આવી  છે   પાદરે,
'કાન્ત'ના મોઢે સહેરો છે !
             ***
-'કાન્ત'


  

Monday, 30 March 2015

દર્શન !

હું અને મારી પૌત્રી 
પ્રભુ દર્શનની રાહ જોઈને ઊભા હતા,
સ્વામીનારાયણ મંદિરમાં !
સાત વર્ષની મારી લાડોએ પૂછ્યું 
'દાદા ભગવાન કયાં છે?'
'બેટા પેલા બંધ દરવાજાની પાછળ !'
મેં કહ્યું !
થોડીવારમાં દ્વાર ખૂલ્યા,
ભક્તો દર્શન માટે ઈશ સમક્ષ જવા લાગ્યા !
હું પણ મારી ક્રિષ્નાની (કૃષ્ણ) આંગળી 
પકડી આગળ વધ્યો,દરવાન ઉવાચ્ય :
'સ્ત્રીઓને અહીં થી દર્શન કરવાની મનાઈ છે.
તમારે જવું હોય તો  જઈ શકો છો !'
પણ,હું મારા લાડોને છોડીને 
કેમ જાઉં ???'
અમે બન્ને દૂરથી નારાયણને જોતા રહ્યા
ક્રિષ્નાનો અવાજ મારા કાનમાં 
ભોંકાતો રહ્યો,'દાદા,મને પણ ભગવાનને   
બરાબર જોવા છે.ત્યાં આગળ લઈ ચાલોને !'
હું એને કહી ન શક્યો કે બેટા તું સ્ત્રી છે !
તને પ્રભુ સમક્ષ જવાનો અધિકાર નથી !
મને એ પણ ભય હતો કે,એ મને પૂછે કે,
રાધાજી પણ સ્ત્રી છે તો એ કેમ પ્રભુની 
બાજુમાં બેઠા છે ???હું શું જવાબ આપું???
ત્યાં તો ઘંટારવ થયો....મારા કાનમાં 
પ્રભુ કહેવા લાગ્યા, બેટા !તેં મારી આંગળી 
તો પકડી છે....હું તારી સાથેજ છું !
મેં જોયું તો મારી ક્રિષ્ના મંદ મંદ હસતીતી,
મારી સામે એના પરવાળા જેવા હોઠ અને 
મધુર હાસ્યમાં મને મારા ઈશ્વરના દર્શન થઇ ગયા !
                            ***
-'કાન્ત' 





Saturday, 28 March 2015

ગઝલ  !

દિલમાં  વસી છે વેદના,તમારા  ગયા પછી,
હું  કશુયે  પામ્યો  નહીં ,તમારા   ગયા પછી  !

ચમનમાં આવીને  ઊભો ,આંખો મીંચી ને હું,
એ જ  આંસુ  એ જ  રંજ ,તમારા ગયા પછી  !

હું  તો રહ્યો  છું  ઈશ્કનો , મેલો-ઘેલો  ફકીર,
કોઈ  દ્વારે ઊભો  ના રહું, તમારા ગયા પછી !

એ સુરાહી મયકદા,પાગલ થવાની ઝંખના,
ખાલી  કરીને જામ બેઠા,તમારા ગયા પછી  !

જિંદગીના બોજથી  ,ના  કદી  મુક્તિ  મળી,
એકલા  અમે  ચાડિયા ,તમારા ગયા  પછી !

વિરહની  વેદનાની પણ, કોઈ તો   હદ હશે,
રડી  રહ્યો  છે  ઢોલિયો , તમારા ગયા પછી !

'કાન્ત'  હાથતાળી   દઈ ,ચાલ્યા ગયા  તમે, 
દેહ  જીવે -આતમ  બળે ,તમારા ગયા  પછી !
                        ***
-'કાન્ત'

















Friday, 20 March 2015

helmet 

આજે  વહેલી  સવારે 
મારા  'helmet' પર 
બેઠેલી ચકલી બોલી ઊઠી !
'કહે...જોઈએ  કવિ,
તારા આ માથામાં માળો બાંધી શકું?
આ શિરછત્ર નિર્જીવ હોવા છતાં,
એના પર કેટલો ભરોશો છે તને !
એને ધારણ કરીને તું,
ધૂમ 'style' માં બાઈક ચલાવી શકે છે !
જયારે તું તો સજીવ છે,
મારી જેમ બે જીવવાળો !
હું તારા પર ભરોશો મૂકી શકું?
તારા આ શિર રક્ષકમાં ઈંડાં મૂકી 
હું બિન્ધાસ ઊડી શકીશ આકાશમાં !'
હું તો સ્તબ્ધ થઈ જોતો રહ્યો 
સાંભળતો  રહ્યો એ ચકલીને ! 
અને ત્યાં તો ચકાભાઈ 
ચાંચમાં તણખલું લઈને આવ્યા 
મારા 'helmet' માં એને મૂકી 
માળો બાંધવાની શરૂઆત કરી !
મારું હૈયું ચકા-ચકીની મધુર,
ચીં ... ચીં......થી છલકાઈ ગયું!
                ***
-'કાન્ત'

Wednesday, 18 March 2015

ગઝલ !

સ્વપ્નને   સજાવીને  જોઉં  છું ,
જાતને     લડાવીને  જોઉં  છું  !

હોય છે વાયદા બધા  ઠગારા,
ચશ્માં  લગાવીને  જોઉં    છું  !

સળવળું   છું  સર્પની  માફક,
વાદીને  ભગાવીને  જોઉં  છું  !

નકાબો ખોલી નાખું છું  બધા,
ભેદને  બોલાવીને   જોઉં  છું !

વાટ કવિતાની એટલે લીધી,
શબ્દને  પટાવીને  જોઉં   છું  !

રણમાં  પણ  મેં   ઝરણ  દીઠું 
મૃગજળને  હટાવીને જોઉં છું !

ચણી છે ભીંત ચોમેર શંકાની,
કૂતરા   ભસાવીને   જોઉં   છું  !
                  ***
-'કાન્ત'







 નાથ !

એકવાર તમને મન ભરીને,
જોવા છે નાથ !
મારી મઢુલીયે તમે પધારો,
ભરવી છે બાથ !
અર્પવા ભેટ કશું નથી પાસે,
ઉરનો ઉમળકો મારી  સાથે !
ચાંદની રાતે ઊગતા પ્રભાતે,
ઝંખું તમારો સાથ !
નેણની ડાળે બેઠી કોયલ કાળી,
તમે કાળા છો વનમાળી !
જમના જળમાં સ્નાન કરાવી,
ફેરવું તમારા ડિલે હાથ !
આર્ત તૃષાતુર આંગણે બેઠો,
કરશો નહીં હવે તમે ખેટો !
આંખોથી ઝરે આંસુના ફૂલ,
'કાન્ત' વદે શબ્દોના કાથ !
                ***
-'કાન્ત'

Tuesday, 17 March 2015

હરિ !

હરિ, એકવાર  મનભરી,
તમને    નીરખી    લેવા !

આ જગ સાથે નથી  હવે,
મારે  કોઈ   લેવા    દેવા !

ઉઘાડીશ  મનની   બારી ,
વહેશે નયન  રસ્તે વારિ !

કરવી છે  તમારી   સેવા,
માખણ- મિશ્રી- ને  મેવા !

પધારો ઉરમાં તો  આવો,
સાથે રૂપની  ઝારી લાવો !

આંસુ આ ગંગાજળ જેવા,
મારે તમને ભેટમાં   દેવા !

રાહ જોતો   આંગણે  બેઠો,
ઉતારશો નહીં મુજને  હેઠો !

'કાન્ત'ને મીઠા બોલ કે'વા ,
સ્વીકારી  લો  એની   સેવા ! 
               ***
-'કાન્ત'














Sunday, 8 March 2015

ગીત !

સખીરી, કેમ કહું અંતરની વાત,
તરંગ લિસોટે ભીતર પડી ભાત !
અંધારું પળ બે પળનું જીવનમાં,
સખીરી,પછી  ઊગે નવું પ્રભાત !

ઝળહળે  દાંપત્ય  ઝળહળે  વેશ,
સાહ્યબો મારો  વસે  દેશ-વિદેશ !
નણદલના સ્નેહ ભર્યા વર્તનમાં ,
સખીરી,સાસરિયું થયું રળિયાત !

કદીક ઓરડે; એકાંત ટકોરા મારે,
ઢોલિયાના સળ મારા એ ને ધારે !
બાઈજીના  તુલસીદલ  દર્શનમાં,
સખીરી, બની  છું  હું  ઉજળિયાત !

પાનેતરનું પોત  ફેરાના  ડગલા ,
ઉકેલું છું  હું સપ્તપદીના પગલાં !
સસરાજીના હેતાળ મન દર્પણમાં ,
સખીરી, મને દેખાય  મારા  તાત !

ઘર આંગણીયે કૂણો  તડકો ચમકે,
માંહ્યલો મારો અભિનવ છંદે મલકે !
દિયરજીના ભાભી  શબ્દ અર્પણમાં , 
સખીરી,કવિતા રચે છે જો  'કાન્ત'!
                    ***
-'કાન્ત'
                      









Saturday, 7 March 2015

औरत हूँ !

माँ,बहन,सास,बहु,भाभी,
मैं औरत हुँ !
कायनात की हुँ मैं  नाभि,
मैं औरत हुँ !
झंकार हुँ जीवन पायल की,
गंगा जमना मैं कायल की !
रंभा,दुर्गा,काली, जो हो भी ,
मैं औरत हुँ !
ज़हर,शूली और गाली खाकर,
रामराज्य के लिए वनमें जाकर !
जशोदा,निर्भया,जनकतनया भी,
मैं औरत हुँ !
सैलाब है मेरी आँखों में,
अहसास है मेरी काँखों में !
रानी लक्ष्मी,रज़िया सुल्ताना,
मैं औरत हुँ !
मनुहार है मेरी इस दुनिया से ,
प्यार करो तुम अपनी मुनिया से !
बेटी,ननद,पोती,भतीजी जो भी हो,
मैं औरत हुँ !
                 ***
-'कान्त '


Thursday, 5 March 2015

ગીત !

ભીંજાય  મારી  કમખાની કોર,
મારી  ઓઢણીમાં ઊગ્યા  મોર !

તનમાં   ફાગણિયો   લહેરાયો,
મારો  માણીગર   છે  શરમાયો.

લજાય મારા અણગમતા તોર !
મારી   ઓઢણીમાં ઊગ્યા મોર !

કેસૂડાનાં રંગો આંગણે સજાવ્યા,
હોરી ગીતો ગાઈને મેં ગજાવ્યા !

કોયલનો આમ્ર કુંજમાં  કલશોર,
મારી  ઓઢણીમાં   ઊગ્યા  મોર !

હોળી-ધૂળેટીના  રંગ  હરી  ગયા,
મારા વ્હાલા મુજને    વરી ગયા !

સપનામાં  આવે છે  એ ચિત્તચોર ,
મારી   ઓઢણીમાં    ઊગ્યા  મોર !
                     ***
-'કાન્ત'







  








Wednesday, 4 March 2015

સ્પર્શ !

રંગ બરસે ફાગુન આયો !

...'કેસુડાની કળીએ બેસી ,ફાગણિયો લહેરાયો,
...રંગ ભરી પિચકારી ઊડે,હૈયે હરખ ન માયો !
.....આજે વહેલી સવારે કોયલને પંચમ સ્વરે ટહુકતી સાંભળી ત્યારે મારા મનપ્રદેશમાં ફાગણિયો 
લહેરાવા લાગ્યો.મારી ભીતર વાસંતી માદકતા છવાઈ ગઈ !સામે જોયું તો આમ્રકુંજો મ્હોરી ઊઠી 
છે.એના મહોર ને જોઈ હૈયામાં હરખનો સાદ ગૂંજી ઊઠ્યો.પ્રકૃતિ નૃત્યમય લાગવા માંડી!હા,હોળી 
આવી ગઈ.કેસૂડો બરાબર ખીલ્યો છે.તેનો આનંદ સમાતો નથી.ચારે બાજુ નવી ચેતના પ્રગટી છે.
હોળીના તહેવારની તોફાની મસ્તી જામી છે.
.....ચાલો આપણે પણ કિલકારી ઊઠીએ,મુક્ત કંઠે ગાઈ ઊઠીએ,નાચવા માંડીએ,હોળીના રંગે રંગાઈ 
જઈએ.ભાતીગળ રંગો વડે બીજાને ભીંજવિયે અને પોતે પણ ભીંજાઈએ.પ્રેમ,ઉલ્લાસ,રાસ,લાજભરી 
આંખો અને હાસ્યભર્યા હોઠોના દર્શન કરીએ.આ વૈભવી ઋતુને માણી લઈએ.ક્ષણે ક્ષણ ને જીવી લઈએ.
જુઓ માટીમાંથી પણ સુગંધ આવે છે.કુદરત પણ ડોલી ઊઠી છે. સાંભળો ....સંભળાય છે? હા,હરિવંશ-
રાય બચ્ચનનું  'હોરી'....'રંગ બરસે ભીગે ચુનરવારી રંગ બરસે ......' કાનોમાં ગૂંજવા લાગે છે !હું 
નાચી ઊઠું છુ......મારાથી જોરથી બોલાઈ જાય છે,'હોલી હૈ ભાઈ હોલી ...!'
                                                                            ***
-કાન્ત'  


होली !
(राग-मालकौंश)

सखीरी  सब जन खेले होली,
गंगाधर  शिर नीर निचोवे , 
भीगे  प्रेमल  गौरी !
नटखट  नटवर रंग उड़ाएँ ,
प्रसन्न व्रजकी छोरी !
सखीरी सब जन खेले होली !

अंतरमें रंग बरसाके ,
खेले खेल वियोगी !
आनंद भयो-आनंद भयो ,
होरी के बाण चलाकर ,
मदन करे शिरजोरी !
सखीरी सब जन खेले होरी !

संसारी मदमस्त बने,
भंग पी  करे सीनाजोरी !
नशे में  चकचूर हो रागी,
'कान्त' बसंत पे पागल !
पकड़े दामन उसका चोरी चोरी,
सखी रे सब जन खेले होली !
              ***
-'कान्त'





Sunday, 1 March 2015

ગીત !

સખી એક પગલું હું ચાલું ,
સખી એક પગલું તું ચાલ.

સહિયરની તે   ગોઠળીમાં ,
આપણે  બેઉ   માલામાલ !

સખી એક આભલું હું  ટાંકું,
સખી એક આભલું તું  ટાંક . 

આતમ  તણા   ગોખલામાં,
બજી  ઊઠે જો ને કિરતાલ !

સખી   એક   વાત   હું   કહું ,
સખી    એક  વાત   તું   કહે.

આપણાં   બહેનપણાં  પછી ,
જીવી જાય પ્રેમથી ચિરકાળ ! 

સખી  એક  સુમન   હું   ચૂંટું ,
સખી  એક   સુમન  તું   ચૂંટ.

વનરા વનમાં ગૂંજે    ભ્રમર,
રહે સદા અહીં બસ   સુકાળ !

સખી એક ચુંબન તું લઈ લે,
સખી એક ચુંબન હું લઈ લઉં.

પ્રિયતમ   'કાન્ત'ના   ગાલ,
જો,થઈ  ગયા  લાલમલાલ!
                ***
-'કાન્ત'