ગરબો !
આવ્યાં રૂડાં મા ના નોરતાં રે,
.....પૂરાં થાશે રમવાના ઓરતાં રે !
ચાચર ચોકમાં માડી પધારશે,
.....ઊંચા આસને આઈ બિરાજશે !
હૈયાના સાદ હવે ખૂલતાં રે,
.....પૂરાં થાશે રમવાના ઓરતાં રે !
મંદ મંદ લહેરખી વાયુનો વીંઝણો ,
.....મન પણ થયો છે આજે સમજણો !
દલડાના તાર હવે બોલતાં રે,
.....પૂરાં થાશે રમવાના ઓરતાં રે !
આંખે આંજું હું ગરબાની જ્યોતને,
.....કોરે મૂકી દઉં સંસારી પોતને !
ગરવના ભાર અહીં ડોલતાં રે,
.....પૂરાં થાશે રમવાના ઓરતાં રે !
ઊંચે છે આભ ને નીચે જલથલ છે,
.....ભીતરે મારા આ કેવી હલચલ છે !
કંકુ ને ચોખા મા ને ભાલે સોહતાં રે,
.....પૂરાં થાશે રમવાના ઓરતાં રે !
----------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
=======================