Monday, 31 October 2016

નંદનવન !

નૂતનતાનું  નંદનવન   રચાયું   મારા આંગણે,
પ્રકાશપુંજ  પરમેશ્વરનું   સમાયું મારા આંગણે !

વેદમંત્રનો   નાદ   સરગમ    થઈને    ટહુક્યો,
નવલી  ઊષાનું  પ્રાગટ્ય  કરાયું મારા આંગણે !

હૈયાના   ધબકારા  રક્તવાહિનીઓમાં  વહેતા,
સોહાગણનો  સૌભાગ્ય    ભરાયું  મારા આંગણે !

ફૂલ-ફૂલની  ફોરમ   લઈને  ઊડે  મનના ગોટા,
પારિજાતનું  અમૃત ફળ, વવાયું મારા આંગણે !

પ્રાણ  તણી  વીણાના  તાર;  કરે  મધુર  ઝંકાર,
રાગ  કલ્યાણનું  સપ્તક,ગવાયું  મારા આંગણે !

અંતરપટ ;  કબીરાની    સાખીમાં   ખુલું -ખુલું ,
પ્રભાતનાં પુષ્પોનું ભાથું, લવાયું મારા આંગણે !

શોધ્યો ;  અહીં -તહીં ,  મંદિર-મસ્જિદ-ગરુદ્વારે,
થાકી-પાકીને  'કાન્ત'    અવાયું મારા  આંગણે !
                             ***
-'કાન્ત'






Friday, 28 October 2016

ગઝલ 

દીપોત્સવીમાં   છપાણી   છે મારી  ગઝલ,
સંપાદક  દ્વારા  મપાણી   છે  મારી  ગઝલ.

કચ્છમિત્રનો  ચાહક   છું   પાંચ  દાયકાથી,
ખાસ એના માટે લખાણી છે મારી  ગઝલ.

નાનપણથી   પ્રોત્સાહન   મળ્યું   કલમને,
આજે   શબ્દની  કમાણી  છે મારી  ગઝલ.

કાફિયા ને  રદીફ  મારી   આજુબાજુ   ફરે,
151 માં  પાને   ભરાણી  છે  મારી ગઝલ.

'કાન્ત' ને  પ્રેરણા  મળી  આ  છાપાં દ્વારા,
પછી  દુનિયાએ વખાણી છે મારી ગઝલ.
                         ***
-'કાન્ત'




Wednesday, 26 October 2016

आहट 

आहट  सुनाई   देती   है  दिवाली  की,
खुशियाँ  बधाई   देती   हैं दिवाली की  !

मन  मस्त  होकर झूम  रहा  है  मेरा,
रोशनी  दिखाई  देती  है दिवाली  की !

बिहान  मुस्करा  रहा  है दरवाज़े  पर,
साँसें  अँगडाई  लेती   हैं  दिवाली की !

अंकमाल  प्यारा लगता  है   मुझको,
ऋतू  बिदाई   लेती   है   दिवाली की !

कच्चेबच्चे  पटाखे  संग  नाच रहे हैं ,
फुलझड़ी मलाई देती है  दिवाली की !
                      ***
-'कान्त'
*बिहान-प्रभात 
*अंकमाल -गले  मिलना 
*मलाई -सार,तत्व 






Tuesday, 25 October 2016

ગઝલ !

ગાઓ  તો  એક  ગીત  છું ,
મનગમતો   હું   મીત  છું  !

મહેકતા   આ   શ્વાસ  કહે,
ભવોભવની  હું  પ્રીત  છું !

ભલેને  છેતરો  સ્વપ્નમાં,
જીવતી જાગતી  રીત છું !

રોજ લૂંટો  જો  ઠગ બની,
વિશ્વાસની  હું   જીત   છું !

સમ  લીધાં છે તમારાં મેં,
શબ્દે ચણાયેલી ભીંત છું !

એક દિ'  ચોક્કસ   કહીશ,
ચારે  ખાને હું   ચીત   છું !

મન ભીંજાયું શબનમથી,
મોસમની   હું   શીત  છું  !
               ***
-'કાન્ત'






Sunday, 23 October 2016

સાલમુબારક !

નવા વરસના   સાલમુબારક,
અરસપરસના  સાલમુબારક !

આજ ખુશી,છાબ ભરી વહેંચો,
નવી તરસના ,સાલમુબારક !

હોઠ ઉપર સળવળે  શુભેચ્છા,
શબ્દ સરસના ,સાલમુબારક !

સભર સુરાહી, અમી સ્પર્શથી,
તત્વ દરશના , સાલમુબારક !

નવી આશાઓ,ઝળહળે આજે,
દિવ્ય  પરસના,સાલમુબારક !
                  ***
-'કાન્ત'






દિવાળી  છે !

રંગોળી  સજાવો , આજે   દિવાળી   છે,
દીવડા  પ્રગટાવો  આજે,  દિવાળી  છે !

હોઠ   ઉપર   સળવળે   મધુરાં  ગીતો,
તમસ ને   ભગાવો, આજે દિવાળી છે !

શ્રદ્ધા  તમારી  લઈ  જશે  નૂતનતામાં,
દાનવને  હરાવો, આજે   દિવાળી  છે !

અમાવસ્યાની  રાત પસાર થઈ  જશે,
લક્ષ્મીને પધરાવો,આજે દિવાળી  છે !

ફટાકડા ફોડો ,ખૂબ આતશબાજી કરો,
દીનને  હરખાવો, આજે  દિવાળી  છે !

હૃદયમાં  વસી સંવેદનાઓ  બોલાવે,
સૌને ઉરે  લગાવો,આજે દિવાળી  છે !

રંગ-નવરંગ -પ્રેમ ,નીતરે નયનોથી,
'કાન્ત'ને  બોલાવો,આજે દિવાળી છે !
                       ***
-'કાન્ત'




Saturday, 22 October 2016

ગઝલ    

ગઝલ  લખું  છું  એ  મારો  વહેમ  છે,
આપણું  તો  બસ ,ચાલે જેમ-તેમ છે.

શાયર થઈ  ગયો    છું  હું   તો  મોટો,
એટલે  તો  શબ્દો પૂછે , ભાઈ કેમ છે ?

દુબારા-દુબારા સંભળાય  છે  કાનમાં,
માની  લીધું ,હવે   ખુદાની  રહેમ  છે. 

તાળીઓ ને  વાહ-વાહ,નવા  નખરા, 
નથી ઓળખતો , SIR છે કે MEM છે ?

હજી  માંડ -માંડ કાફિયાને સેટ કર્યા,
રદીફની  રામ  જાણે  કઈ  નેમ   છે ?

કૂદકા મારે  છે ,માંહ્યલો કવિ જોરથી,
'કાન્ત' ના  ચાહકો  એમના એમ  છે.
                        ***
-'કાન્ત'








Thursday, 20 October 2016

ગઝલ   

ગઝલમાં   હું   તને  અંગત  લખું,
કાફિયા ને  રદીફમાં વિગત લખું.

સાહી   ઢોળીને  રંગોળી   સજાવી,
રૂપ  રંગની   બધી   સંગત  લખું.

ઉદયથી  અસ્ત   સુધી  સાથે  રહે,
ઈચ્છાઓની  સઘળી મમત લખું.

થાય, ઊંચાઈના  વસ્ત્રો  પહેરીયે,
હિમાલય સરીખો કો પર્વત લખું. 

જેમના આંસુથી પૂર આવી  ગયાં,
રુદનની  એ નાજુક  હરકત લખું.

હું જ મારી  ઓળખ આપીશ હવે,
અથ થી  ઈતિ સુધી બાબત લખું.

ટપાલી  ઉભો છે  ઘરના  બારણે,
'કાન્ત' આજે  હું પણ  ખત  લખું .
                     ***
-'કાન્ત'


Monday, 17 October 2016

ગઝલ 

મયકદામાં  જામ  છે ,સાંભળ  ગઝલ,
ઝૂમતી  આ  શામ છે, સાંભળ  ગઝલ.

હોઠ  ઉપર પ્યાસ  છે, સદીઓ  તણી ,
ઈશ્કે મિજાજી નામ છે,સાંભળ ગઝલ.

નશો  આંખોમાં  ભરી  મસ્ત  ઝૂમ તું,
છવાયો  દમામ  છે, સાંભળ  ગઝલ.

કસુંબલ  મોજ ની વાત  કરવી   શી,
ઘાયલ   તમામ  છે, સાંભળ  ગઝલ.

મન ને ખુલ્લું  કરી,ચૂમી  લે  હવાને, 
હાથમાં વર્તમાન છે, સાંભળ ગઝલ.

તું  શરાબી,હું શરાબી ,શરાબી  જહાં ,
'કાન્ત ' બદનામ છે, સાંભળ ગઝલ.
                      ***
-'કાન્ત'





કવિતા 

ગઈ કાલે નાનકડી પરીમાં મને 
હરિ  દેખાયા !
એની કવિતામાં  ફરી ફરી  દેખાયા !
કલા ઉત્સવ શિક્ષણ ભવનનો ,
પરિચય કરાવી ગયો બાળકોના કવનનો !
मेरी  माँ..... શબ્દોમાં હસતી હતી,
બાળ  કવિયત્રી  અનુભૂતિમાં રસતી  હતી !
મેં  પ્રશ્ન કર્યો  'લેમડો '-લીમડો કેમ નહીં ?
કવિરાજ  કહે  'प्रास  आये  सही !
વિસ્મયના  વિષ્ણુ  ભગવાન ,
કાગળ પર  કલ્પનાઓ ઉતારતા હતા.
એ  નિર્દોષતાથી  વિચારતા હતા.
અને  અભિવ્યક્તિ  પણ  કેવી !!!
રાહત  ઇન્દોરી  જેવી !
આત્મ વિશ્વાસથી  ભરપૂર,
દ્રશ્યોના  હતા  ઘોડાપૂર !
મારા  માંહ્યલામાં બેઠેલો  કવિ,
મનોમન  આ બાળકવિઓને  સ્પર્શ 
કરતો  રહ્યો.... અને.... 
આયોજકોને  'કાન્ત' હર્ષ  વહેંચતો રહ્યો !
                         ***
-'કાન્ત'

Friday, 7 October 2016

ગઝલ 

તડપે  છે  માઝમ  રાત, કહો  તો  બારણું  ખોલું,
થઈ  જશે  હમણાં પ્રભાત, કહો તો બારણું ખોલું.

આવું  અજવાળું  ઊગ્યું  છે આજે  મારા આંગણે,
કરી ન જાય અંધારું ઘાત ,કહો તો બારણું ખોલું. 

કેટલું  તોફાન   ઉમટ્યું  છે,  રક્તવાહિનીઓમાં,
ઈશ્કનો  જોરદાર પ્રપાત,કહો  તો બારણું ખોલું.

હદથી વધી  ગઈ છે  સનમ  હવે  તો  બેકરારી ,
કહેવી  છે   એક  વાત,  કહો  તો  બારણું  ખોલું.

તમે  અહીં  આજ  કુમકુમ  પગલાં  કરશો  તો,
'કાન્ત'-થશે  મુલાકાત,  કહો  તો બારણું ખોલું.
                             ***
-'કાન્ત'



Tuesday, 4 October 2016

ગઝલ 

દામિનીને  ચમકતી  જોઈ  તોફાની  વરસાદમાં,
ગાજણને  ડણકતી  જોઈ , તોફાની   વરસાદમાં.

મેઘરાજાને  આંગણે   ધડાધડ   ફટાકડા   ફૂટયા ,
બીકણ છાતી ધડકતી જોઈ ,તોફાની વરસાદમાં.

કુદરતનું   રૌદ્ર   સ્વરૂપ   ચેતવણી  આપતું  રહ્યું,
વિધાતાને  મલકતી  જોઈ  ,તોફાની  વરસાદમાં.

નભોમંડળ  આશાપુરાની  આરતી  ઉતારતું  હતું,
શક્તિને મેં  હરખતી   જોઈ, તોફાની  વરસાદમાં.

ગાઢ  અંધકારમાંયે પ્રકાશના તેજની આભા હતી,
રાત્રિને તરત સરકતી જોઈ ,તોફાની વરસાદમાં 

કેટલાયે   લોકો  બીકથી   ફફડતા રહ્યા  ઘડીભર,
પ્રકૃતિને તાંડવ  કરતી જોઈ,તોફાની વરસાદમાં.
                                 ***
-'કાન્ત'



Saturday, 1 October 2016

ગાંધી

કોણ જાણે  કયા ખૂણે રડતો હશે ગાંધી,
પોતાની  નજરમાં  પડતો  હશે  ગાંધી.

ગોડસેએ  તો  ગોળી ધરબી  છાતીમાં,
પળ-પળ નિજ મહીં મરતો હશે ગાંધી.

સત્ય-અહિંસા,સાદગી દેખાય છે  કયાં ?
નજર  પર  નેજવાં ધરતો  હશે ગાંધી.

આજે  રાજઘાટ પર  નેતાઓને  જોઈ,
સમાધિમાં પડખા બદલતો હશે ગાંધી.

એના ત્રણ વાંદરા  કૂદાકૂદ કરે ને રડે,  
પુષ્પોની  ચાદરે  કણસતો હશે ગાંધી. 

શું   હાલ  કર્યા  છે  શાસકોએ  દેશના ,
સૂટ ને  ખાદીને મૂલવતો  હશે ગાંધી.
                         ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
'સત્યમ વિલા ,પ્લોટ નં। 155/2,
સંસ્કારનગર,ભુજ-કચ્છ. 
મો.99090 71588