Monday, 26 September 2016

ગઝલ 

કાચું  તારું  જિગર   છે ,તું  ભાગી  છૂટ ,
કઠિન   આ   ડગર  છે,  તું  ભાગી  છૂટ.

ઝેરના  કટોરા  હવે નહીં  જીરવી  શકે,
બધાને   ખબર    છે  , તું   ભાગી  છૂટ.

અજંપો  પજવે    છે  મરી  ગયા  પછી,
તરડાયેલી   કબર  છે,  તું  ભાગી  છૂટ.

તારા  આગમનથી  કંઈ  નહીં  બદલે,
અજાણ્યું   નગર   છે,  તું   ભાગી  છૂટ.

ગજેન્દ્રમોક્ષ  કયાં  થયું  છે  અંતરમાં ? 
ભીતરે  તરતો મગર છે,તું ભાગી છૂટ.
                         ***
-'કાન્ત'

                        



Friday, 23 September 2016

ચમત્કાર !

મોબાઈલનો   છે   આ   કેવો   ચમત્કાર ?
બાળકો  આપણા,કવરેજ ક્ષેત્રથી બહાર !

કૂકડાની  કૂકડેકૂક ,  જગાડતી   જગતને,
હવે  તો બધો રહ્યો એલાર્મ  પર આધાર !

સંબંધોનાં  તાણાવાણા,   મીઠા  લાગતા, 
ગૂગલ,ફેસબૂક, સંગે  આપણે  નિરાધાર !  

પોસ્ટ ઓફિસ - ને  અલીડોસો   ભૂલાયા,
મેસેજ-ચેટે  પત્રલેખનને  કર્યો  હદપાર !

આંધળી મા  ને  પૂનમચંદનો   પાનિયો,
નથી   કરતા  એકબીજા   પર  એતબાર !

સુંદર  હસ્તાક્ષર,  હતા  લેખનની  શોભા,
આજે  તો  ટ્રાન્સલેટનો  છે   જયજયકાર !

અંગત   ક્ષણો   હવે   અંગત  રહી   નથી,
'કાન્ત'ને પજવે પકડાઈ જવાનો પડકાર !
                         ***
-'કાન્ત'





Thursday, 22 September 2016

ગઝલ 

જીવન  ચેસ  છે, એ ખભે  મૂકેલો  ખેસ છે,
એટલે  તો  માણસો ,ભજવી રહ્યા વેશ છે,

ઊંટ-ઘોડી-વજીર   છે   બળવાન   મ્હોરા ,
કયારેક   પાયદળની ચાલમાંયે  ટેસ  છે.

છે  રમત  આ  જિંદગી, ચાલ રમવી પડે,
શકુનીની   બિછાવેલી  બાજી  વિશેષ  છે.

અવનવી ઈચ્છાઓ ,મનને  પજવે અહીં,
જુદી જુદી  રીત ,જુદો  જુદો  પરિવેશ છે.

દાવ  લગાડે  લોકો ,'કાન્ત' જીતવા માટે,
હારે ત્યારે ,દ્રૌપદીની  વિવશતા  શેષ છે.
                          ***
-'કાન્ત'


Tuesday, 20 September 2016

ગઝલ 

કહો   કયાં   ખરે   આ  આંસુઓ ?
કોના   ખભે  સરે  આ  આંસુઓ ?

ઓરડો  ઉદાસ, ને  ભારેખમ  છે,
કયા ખૂણામાં ઝરે  આ  આંસુઓ ?

હા, વગોવાયો  છું  હું  જીવનભર,
શાને તરફડીને મરે આ આંસુઓ ?

કેટલું તોફાન ઉમટ્યું  છે ભીતરે,
કેમ  આંખમાં તરે  આ  આંસુઓ ?

દુઃખ -દર્દની   આવજાવ  શું  છે ?
શેં ભારે ડૂમો ભરે   આ આંસુઓ ?

કહું  કોને  શબ્દની વ્યથા જઈને ?
'કાન્ત'થી  કેમ ડરે  આ આંસુઓ ?
                     ***
-'કાન્ત'








Sunday, 18 September 2016

ગટરનો ...!

ગરબી  ચોકને  સહવાસ   છે  ગટરનો,
અહીં   બારેમાસ  આવાસ  છે ગટરનો.

સ્વચ્છ   ભારતની  ઝંખના  તો  છે  જ,
અત્યારે પારાવાર  ત્રાસ  છે  ગટરનો.

રાહદારીઓ  પગ  પખાળે   દિવસભર,
એમને  પણ  હવે  વિશ્વાસ  છે ગટરનો.

એટલી  વગ ધરાવે  છે આ મહામાયા,
કે , બિન્ધાસ રહે છે  નિવાસ  ગટરનો.

કોઈ  એનો  વાળ  વાંકો  ન  કરી  શકે,
ચોવીસે કલાક   શરૂ  પ્રવાસ ગટરનો.

નગર સેવા સદનને 'કાન્ત'ના વંદન,
બાપલા હવે  દૂર કરો  શ્વાસ ગટરનો.
                      ***
-'કાન્ત'


Wednesday, 14 September 2016

ગઝલ 

હદ  હોય  કે અનહદ,માપણી નક્કી  કરો,
ભીતર હોય કે બાહર,લાગણી નક્કી કરો.

ખેતરો   નફરતના લહેરાય  છે  આંગણે,
કરવી જ હોય તો હવે,કાપણી નક્કી કરો.

મન,થઈ ભિખારી, માંગતો ફરે ચોતરફ,
નાની  હોય કે મોટી, માગણી નક્કી  કરો.

ઠૂઠવે  છે  આ  શરીર  કડકડતી  ઠંડીમાં ,
તાપો  ભલે,પહેલાં તાપણી  નક્કી કરો.

'કાન્ત 'રાતવાસો  કરવો  છે   ને તમારે ?
બાંધો  રાવટી,  ને  છાવણી  નક્કી  કરો.
                          ***
-'કાન્ત'




ગઝલ 

કૈંક  જાદુ  હશે  શબ્દના વિસ્તારમાં ,
નહિતર  ફાવે   નહીં, એ  પ્રચારમાં.

ડાયરીમાં  ભલે  હું,  જાતને  ચીતરું,
રહે   છે   જગત   આખું   વિચારમાં.

મત્સ્યની    આંખ   છે    છેતરામણી,
કેમ આવી ગઈ એ કોઈના પ્રહારમાં ?

પાનખરમાંયે  આ  ઈચ્છાઓ  મ્હોરે,
ગૂંગળાઈ  જાય  એ  મસ્ત બહારમાં.

હવે  તો  તું  કહે  એ  બધું  કબૂલ છે,
શાને ભટકે  છે રદ થયેલા કરારમાં ?
                       ***
-'કાન્ત'




Tuesday, 13 September 2016

ગઝલ 

દૂર-દૂર આજે  કોઈ  જતું  રહ્યું  છે,
આંસુ   ગાલ પર,  વહેતું  રહ્યું  છે.

મોતનો   સંબંધ  છે  કોની  સાથે ?
એના  ઘા  હૃદય , સહેતું  રહ્યું  છે.

કહો,, બીજું   તો   હું  શું  કરી શકું ?
આ  ખેલને  ચિત્ત , જોતું  રહ્યું  છે.

શ્વાસનો સદમો  છે, આ બહુ ભારે,
કોણ,આ અશ્રુધારને લોતું રહ્યું છે ? 

જોયાં છે નજરુંથી ખરતાં  ફૂલને,
'કાન્ત 'નું મન,સદા બીતું રહ્યું છે.
                    ***
-'કાન્ત'






Sunday, 11 September 2016

ગઝલ 

ભાગવું   છે   એને  તો  ભાગવા  દે,
લાગી   જાય   ખોટું,તો લાગવા  દે.

માંહ્ય   જાળાં   બાંધ્યા    મમતાએ,
શણગારવું  છે તન, શણગારવા દે.

ગૂંચથી ઘેરાયું  છે, અસ્તિત્વ આખું,
લેખો લલાટના એને  મિટાવવા દે.

ઘરડા થયા છે હવે સમયના કાંટા,
ચાવી મારવી  છે એને,  મારવા દે.

શ્વાસની  આવજાવ   ચાલુ   રહેશે,
ઉચ્છવાસને   એને  ,પડકારવા દે.

ધારણાની  વણઝાર પાછી  વળી,
સાચા- ખોટાને સાથે  ઉકાળવા દે. 

દ્વાર  ભીડયાં  છે  મજબૂત સાંકળે,
મુલાકાત ટાળે,તો એને ટાળવા દે.
                       ***
-'કાન્ત'





મોરચંગ ..!

દિલ  હરી  લે  છે , તારું  આ મોરચંગ,
ગીત  ભરી દે છે,  તારું  આ  મોરચંગ.

ગાલ  પર   પડેલા   ચાસ   પજવે  છે,
હોઠ  ધરી  દે  છે, તારું  આ   મોરચંગ.

લોહી   ક્યાંથી  નીકળ્યું ? ખબર  નહીં,
ઘાયલ  કરી  દે  છે, તારું આ મોરચંગ.

ટહુકાઓ વયા જાય પાનખરની સાથે,
મનમાં  મરી  લે છે,તારું આ મોરચંગ.

ઝાકળ બિંદુઓ,પ્રગટે પુષ્પ પાંદડીએ,
ધીમેથી તરી  લે છે,તારું  આ મોરચંગ.

લે,તને આપ્યું મારુ  હૃદય સોગાતમાં,
હાથ કેવા ધરી લે છે,તારું આ મોરચંગ.
                      ***
-'કાન્ત'








Thursday, 8 September 2016

ग़ज़ल 

हम  अकेले   होते  जा  रहे  हैं ,
उड़ान   अपनी खोते जा रहे हैं। 

दिल  में  इक  लहर उठती  है,
सूखे खेतों को जोते जा रहे हैं। 

इन आँखों  का क्या है  कसूर ?
कदराई   में , रोते  जा  रहे  हैं। 

जमीं तो छलकती है प्यार से,
हम  बला  को बोते जा रहे हैं। 

इन्तिहा अक्ल  की  देख  ली,
क्यों  उसे  ही  ढ़ोते जा रहे हैं ? 
                 ***
-'कान्त '

Tuesday, 6 September 2016

ગઝલ 

આવે  છે  હવા  મતવાલી,ઉઘાડી રાખજો બારી,
ઊભો  છે  દ્વારે કો સવાલી ,ઉઘાડી રાખજો બારી.

ખુશાલીનો  વખત  છે,ગર્વિત છે ચાંદ -તારાઓ,
છેડે  છે  સરગમ  ક્વ્વાલી,ઉઘાડી રાખજો બારી. 

હતે  જો  હાથમાં કંઈ પણ, સમય છીનવી  લેતે,
ને મન બની બેસે મવાલી,ઉઘાડી રાખજો બારી.

પ્રકાશ પાલવમાં ભરી,અમાવસ્યા દોડતી આવે,
દિવડાની   છે   દિવાલી , ઉઘાડી  રાખજો બારી.

અમે  બીડું ઝડપ્યું છે,વાદળાં ને  વરસાવવાનું,
સરોવરમાં  કરશું  ખાલી, ઉઘાડી રાખજો બારી .

નથી ઉપાડવું વજન,મદ-મોહ-લોભ-મત્સરનો,
છોડી દેવી છે આ હમાલી,ઉઘાડી રાખજો બારી
                              ***
-'કાન્ત '

Monday, 5 September 2016

મિચ્છામિ  દુક્કડ્મ  !

પ્રભુ ! મારું અંતઃકરણ  રહે સાફ,
                   મિચ્છામિ દુક્કડ્મ !
કરી  શકું  હું  સૌને દિલથી  માફ,
                  મિચ્છામિ  દુક્કડ્મ ! 
દ્વેષના  ઝેરથી  હૃદય મુક્ત રહે,
ભીતરે  સદા  પ્રેમની ગંગા વહે.
મળે,ફરી બચપણની  એ  કાંખ.
                 મિચ્છામિ  દુક્કડ્મ !
ચિત્તપ્રસન્નતા અને રહે સમાધિ,
પજવે નહીં અહીં કોઈને વ્યાધિ.
સ્થિર  પ્રતિષ્ઠામાં  જ મને રાખ.
                  મિચ્છામિ દુક્કડ્મ !
તિજોરી  પૈસાથી   નહીં  પરંતુ,
સંવેદનાથી  ભરપૂર  છલકાય,
બની  રહે  આ જગતમાં  સાખ,
                 મિચ્છામિ દુક્કડ્મ !
પ્રગટ થતા રહે,સદગુણો મારા,
માથું નમાવું ચરણોમાં તમારા.
પડે  નહીં  મનમાં  ઝેરી  માખ.
                 મિચ્છામિ દુક્કડ્મ !
                   ***
-'કાન્ત'





































ગઝલ 

વેદ મંત્રનો  વિચાર  છું,
છું ;હું ૐ નો ઉચ્ચાર છું.

શ્રદ્ધા કદી નહીં ડગમગે,
સરસ્વતીનો  હુંકાર  છું.

વૃક્ષ પર જો ટહુકો ઊગે ,
કોકિલાનો  પોકાર   છું.

પાનખર ઉદાસ ન  કરે,
વસંતનો  વિસ્તાર   છું.

ગાંઠમાં  કશું  ન   રોકડું,
ઉધારનો જ વહેવાર છું.

જીવનને  ચાહું  એટલે,
શ્વાસ   અનરાધાર   છું.

મને કોઈ માપી ન શકે,
અનહદનો વિસ્તાર છું.
             ***
-'કાન્ત '







Sunday, 4 September 2016

ગઝલ 

છે  ગઝલને  ગર્વ  મારા  શબ્દનો,
અર્થના  ઘાયલ  બધા  કહેતા ફરે.

હું  તળ  શોધવા ને ,તત્પર  થયો,
પ્રેમ- પરિચય    સપાટીએ    તરે.

શ્વાસ  ભીતર પાંગરી છે  રિક્તતા,
છેહ  દેતાં , આજ   કયાં  કોઈ  ડરે.

હસ્તરેખામાં  છુપાયું  છે  ભવિષ્ય,
છતાં  આ   જિંદગી   હાથથી  સરે.

અક્ષરો  મદારીના  વાનર  સમા,
નચાવું  તો  અવનવા  ખેલો કરે.

જાગશે જો ભૂખ,તો કશુંક માગશે,
કવિની   કવિતા  એની  ક્ષુધા હરે.

કયાં  સુધી   જીરવાશે   લાચારી ?
'કાન્ત ' અહીં રોજ,પલ -પલ મરે.
                     ***
-'કાન્ત '
शिक्षक  हुँ  !

करता  हुँ  नवनिर्माण ,मैं  शिक्षक  हुँ ,
चेतना  का  परिमाण,  मैं  शिक्षक  हुँ । 

शिक्षा  ही   है   मेरी  जीवन  फुलवारी,
कठिन समय  में  हिम्मत  नहीँ  हारी ।  
बच्चे  ही  हैं  मेरे  प्राण, मैं  शिक्षक हुँ । 

राष्ट्र सम्मान  की  मैं  ही   हुँ  धरोहर,
मेरा   जीवन   मीठे जल   का  सरोवर। 
शब्द ही  हैं  मेरे  बाण, मैं   शिक्षक  हुँ । 

रूपये  नहीँ  हो शकते  मुझ पर  हावी,
मैं  तो  हुँ  मेरे  हिन्दुस्तान  का  भावि । 
तन-मन  सब  कुर्बान, मैं  शिक्षक  हुँ । 

द्रौण -कौटिल्य   का   मैं   हुँ    वारिस,
अध्यापन की  मैं  रिमझिम   बारिश । 
मूल्यों का  निगहबान, मैं  शिक्षक  हुँ । 

निदिध्यासन  में  मैं ,  ध्यान   लगाऊँ ,
मेरे   क्षात्रों   पर  मैं , बलि-बलि  जाऊँ । 
'कान्त ' का   अभिमान, मैं  शिक्षक हुँ । 
                        ***
-'कान्त '




સ્પર્શ !

  આજે શિક્ષક દિને મને ઇંગ્લેન્ડની સ્કૂલમાં સતત 26 વર્ષથી  ભૂગોળ ભણાવતા અનુભવી 
અને નિષ્ણાત શિક્ષક આર્થર મિલની યાદ આવી ગઈ.એકવાર શિક્ષણાધિકારી એમની શા-
ળાની મુલાકાતે આવ્યા.સાહેબે આર્થરને પૂછ્યું ,'કેટલા વર્ષથી ભૂગોળ શીખવો છો ?'એમણે 
કહ્યું,'છેલ્લા 26 વર્ષથી સાહેબ.'શિક્ષણાધિકારી સાહેબ કહે,'ઓહ !26 વર્ષથી એક જ વિષય 
શીખવો છો ?અને હજી આપ થાક્યા નથી ?' મિલે બહુ સરસ જવાબ આપ્યો,'Sir i am not 
teaching geography.i am teaching the students and they are ever chainging .'
    શિક્ષક વિદ્યાર્થીઓને શીખવે છે,વિષય નથી શીખવતો.વિષય જૂનો થાય,વિદ્યાર્થી કદી 
જૂનો થતો નથી.વર્ગમાં વિદ્યાર્થીને નામથી બોલાવનાર શિક્ષકનું અર્ધું કાર્ય સરળ બની જાય 
છે.માત્ર વિદ્યાર્થી શિક્ષકને સાંભળે એ પૂરતું નથી.શિક્ષકે પણ વિદ્યાર્થીને સાંભળવો જોઈએ.
એક હિંદી કવિએ આ વાત બહુ સારી રીતે કહી છે. अगर आप मेरे साथ मधुरता से पेश आएँगे,
अगर आप मेरी और देखकर मुस्कुरायेंगे।यदि आप अपनी बात कहते कहते कभी -कभी मेरी 
बात भी सुन लिया करेंगे-हकीकतन मैं बड़ा  होउँगा-बड़ा होकर रहूँगा। 
     તમાચો-શાળામાં નિબંધ સ્પર્ધાનું આયોજન થયું.વિષય હતો 'મારા શિક્ષકો.'એક બાળકે 
માત્ર એટલું જ લખ્યું-'હે ભગવાન તું શિક્ષકોને સદબુદ્ધિ આપજે !'
                                                                    ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત',તા.5 મી સપ્ટેમ્બર,સોમવાર,ભુજ-કચ્છ.
ગઝલ 

આ  અંધકાર ,સવાર  થઈને ઊગશે ,
કુદરતનો ,વહેવાર  થઈને   ઊગશે .

કલશોર  કરશે  પંખી , સાથે મળીને,
ટહુકાઓ, બધા  દ્વાર   થઈને ઊગશે .

રાતું  થશે  આકાશ , સૂર્ય   કિરણોથી,
જનપદ,પરોઢે તૈયાર થઈને ઊગશે.

સૂર્યને અર્ધ્ય  આપી, થશે  ઉપાસના,
વેદ મંત્ર ,એક વિચાર થઈને ઊગશે.

નવપલ્લવિત થશે,  કાયનાત  પણ ,
સ્વપ્નાંઓ તો ,સાકાર થઈને ઊગશે.

ઘંટારવ સંભળાશે હરિ  મંદિરોમાંથી,
બાંગ પણ,એક પોકાર થઈને ઊગશે.

શબ્દોના સહારે કવિનું જીવન આખું,
'કાન્ત'-ગઝલ, પ્યાર થઈને ઊગશે.
                     ***
-'કાન્ત'







Saturday, 3 September 2016

ગઝલ   

હિકડ઼ી  જ તું  મ તવાર  કર,
માડુ ભને મેં,તું  ન વાર કર.

અખર  ભણ ,ચરપણ  છડ,
ઝંઝક મ ,કીંક  વિચાર કર.

કારાયલ   કળા  પ્યો   કરે, 
મન-મોસમ તેં ,સવાર કર.

મેરાણ ઉછરે તો મડઇ  મેં,
કચ્છ જો તું બેડો પાર  કર.  

ખેરખાં  હલ્યા વ્યા હિતાનું ,
'આંઉ ' કે ટાણે હદપાર કર.

જં ધર ,ફિરે તો  અંધર મેં,
અખ  સેં  તું  ન શિકાર કર.

તકડ઼ મ  કર,  સુખણો  રો,
'કાન્ત'  કે  મધધગાર કર.
                 ***
-'કાન્ત'

Friday, 2 September 2016

ગઝલ 

આ લાગણી - આ માગણી   હરદમ  સતાવશે,
જળ વગરની માછલીને અહીં  કોણ બચાવશે ?

 અરીસામાં , ખુદને ઓળખવાનો પ્રયત્ન કર્યો,
પ્રતિબિંબની   પહેચાન   હવે    કોણ   કરાવશે ?

રોજની  રમત  છે આ ,શકુનીની ધારણા જેવી,
ઘાત કરીને  બેઠેલી  સોગટીને  કોણ  હરાવશે ?

ચેતના ભરી દે છે  પંખીઓનું  મધુર    કલરવ,
કૂકડો નથી બોલ્યો , તો જીવને  કોણ જગાવશે ? 

ક્યારેક બેબાકળો  થઈ , ભીતરે મારુ  છું આંટા,
દોરડા પર નટવરની જેમ મને કોણ નચાવશે ?

તમારી  યાદ જો  આવી  જશે  વસંતની  સાથે,
પાનખરને  ગીત  સંભળાવીને  કોણ  હસાવશે ?
                              ***
-'કાન્ત'







ગઝલ 

બધી ધારણા લઈને  હવે ચાલો તમે,
ને સંભારણા લઈને, હવે ચાલો  તમે.

ખુદને  પૂરી  દઈ , માર્યું   તમે તાળું,
બંધ બારણાં લઈને  હવે ચાલો તમે.

સજાવું  છું  હું   સ્વપ્નની   ફૂલદાની,
ઓવારણાં  લઈને   હવે  ચાલો તમે.

મારે  તમને  આજે  કંઈક  કહેવું   છે,
કો  વિચારણા લઈને હવેચાલો તમે.

અંધકાર સમી આ ક્ષણોને દૂર કરવા,
શબ્દ-પારણાં લઈને હવે ચાલો તમે,

માગવું  પડશે બધું ,'કાન્ત'ની  પાસે,
કો  માંગણા  લઈને ,હવે ચાલો તમે.
                       ***
-'કાન્ત'






Thursday, 1 September 2016

ગઝલ 

ઝૂમતી   હવા  મળે,
જે મળે  સવા  મળે.

મનદુરસ્ત રાખવા,
શબ્દની  દવા મળે.

સૂરની  હો મધુરતા,
ગીત જો નવા મળે.

તરન્નુમની શોધમાં,
ભીતરે  જવા   મળે.

જલતરંગ   વાગતું,
કાનસેન થવા મળે.
            ***
-'કાન્ત'