Monday, 20 November 2017

मैं  ज़िंदा  हूँ। 
(अछां दस )

आज  सवेरे  मैंने  अपने 
घर की  सारी  खिड़कियाँ  खोल दीं। 
नीलगगन  और  फूलों की  खुशबू  को 
आने  दिया  कमरे  में। 
मेरे  समग्र  अस्तित्व को  
सूरज  की  किरणों  से  नहलाया। 
वृक्ष  पर्णों  की  मर्मर  ध्वनि को 
पकड़ा अपने  कानों  से 
खुद को  कुलबुलाया  पंछीओं की मधुर गान से। 
तुषार  बिंदुओं का अभिषेक किया  पलकों पर 
निसर्ग के  निमंत्रण  को  किया स्वीकार। 
मेरे  भीतर  से उठी  एक  पुकार 
मैं  ज़िंदा  हूँ .....मैं  ज़िंदा  हूँ।  
                      ***
-कृष्णकांत भाटिया 'कान्त '

अँधेरा

ये  अँधेरा  ही  रास आया है हमें,
इसीने  अक्सर  बुलाया  है  हमें।

उजाले ने  इज़हार  नहीं   किया,
अस्लमें उसीने  रुलाया  है  हमें।

ग़नीमत है अल्फ़ाज़ महजूज़ हैं,
लगागा ने ही तो सताया है  हमें।

तगाफूल  रखते  नहीं अपनों से,
अज़ीजां ने नीचे  गिराया है हमें।

असीरों  से   कोई  उम्मीद  नहीं ,
जमीं  के जर्रों  ने  सँवारा है हमें।

बुतकदे में कई बार  गिड़गिड़ाए,
दिलेपूर आरज़ू ने हँसाया है हमें।

सिरहाने  हमारे कई ग़म  बैठे  हैं ,
रास्ता  उन्हींने   बताया  है  हमें।
                     ***
-कृष्णकांत भाटिया 'कान्त '






Saturday, 18 November 2017

ગીત 

સદીઓની  તરશ  હતી ,ને  બાળપણની વય,
શૈશવ  અને  શમણાં વચ્ચે,નહોતો કોઈ ભય !

ઘરડો  વડલો સાદ  કરે ,પાદરમાં  જઈ પૂગું,
આમ્રકૂંજમાં  કોયલ  કૂકે  ,ટહુકે-ટહુકે    ખૂલું !
આથમતો  સૂરજ   બોલે,  અંધકારનો   જય,
શૈશવ અને શમણાં વચ્ચે,નહોતો કોઈ  ભય !

ખેતરમાં  તડકો  વરસે ,  ખડકીએ  ચોમાસું ,
આંખ ઝરે તો એવું લાગે,ક્યાંથી આવે  આંસુ ?
સમજણ વિના અંગે-અંગ વ્યાપી વડે સમય,
શૈશવ અને  શમણાં વચ્ચે,ન્હોતો  કોઈ ભય !

દાદાને મન  હું ચરકડી ,દાદીનું લીલું પાન ,
પાંચીકા હાથથી ઊછળે ,ભૂલું સાન ને ભાન.     
સાદો દાખલો   ન આવડે,શેં  ઊકલે  પ્રમય ?
શૈશવ અને શમણાં વચ્ચે ,ન્હોતો કોઈ ભય !

નાની મારી   આંખોમાં મોટાં  સપનાં આવે,
સૌ કોઈ  લાડથી મને,બ્હેનબા કહી બોલાવે.
નાચું-કૂદું-ઊછળું ને  સાથે નાચી ઊઠે  લય.
શૈશવ અને શમણાં વચ્ચે,ન્હોતો  કોઈ ભય !
                            ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '



       
    

Friday, 17 November 2017

જીવું  છું 

જીવું   છું ; આરપાર જીવું  છું,
શ્વાસ   ભરી ,ચિક્કાર જીવું છું.

હું   જ   મારું  નામ-સરનામું,
બારીની   બહાર    જીવું   છું.

ઉષા-સંધ્યા  આકર્ષે     મને,
હું સાંજ  ને સવાર  જીવું   છું.

મારી જાત પર ગર્વ છે મને,
મનની ડેલીને  દ્વાર જીવું છું.

પરિચય  છે  મારો  બધાંને ,
ખુલ્લો છું ,વિસ્તાર  જીવું છું.

ખૂબ ચાલુ  છું ;મ્હાલું  છું  હું,
ક્યારેક તો બેકરાર  જીવું છું.

સૂર-શબ્દ  છે  સાથી  મારા,
હું   ગઝલ  બે-ચાર જીવું છું . 
                ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


Thursday, 16 November 2017

ગઝલ 

દ્વાર  પર  આવીને  કોઈ   અટકી  ગયું, 
સ્વપ્ન  પણ  આંખમાંથી  છટકી  ગયું.

સાતે  રંગ  સાથે  દોડતા આવ્યા  હતા,
મેઘધનુષ  ઓચિતું   જ  લટકી   ગયું.

મન ઘણે  પાંખો ફફડાવે    છે  પ્રેમની,
ભીતરે આવીને ભઈ ;એ   ભટકી ગયું .

પુષ્પ  કોમળ ,છતાં બેઠું  છે  કાંટા પર,
સુકોમળ  સ્પર્શથી  એ ,  બટકી   ગયું.

આ   કવિને   કયાં   કશી   ખબર   છે ?
છાનું  છપનું આવીને કો ,ચટકી ગયું.
                         ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '





Wednesday, 15 November 2017

ઝંખના  !

સામે    કિનારે    જો ને   નૌકા  ખડી  છે,
       પાર  ઊતરવાની   અંતિમ  ઘડી  છે !
શ્વાસને   સંકોરી   તું   શાંત   થઈ   જા,
       વાયુની  સાથે સાથે તું  પણ વહી જા !
એષણાઓ  પજવીને    ઘોડે   ચડી   છે,
        પાર  ઊતરવાની  અંતિમ  ઘડી  છે !

માલમુકુટને  જીવ  તું   બાજુએ  મૂકી દે,
        આંખના  આંસુને તારા હાથે  લૂંછી લે !
પૂછી લે ખુદને, અહીં  કોને કોની પડી છે ?
        પાર   ઊતરવાની   અંતિમ   ઘડી છે !

તનરંગ  કાચો   છે  જાતાં  વાર  ન લાગે,
         શાને તું આખો દિ 'રૂપ પાછળ ભાગે ?
ભરથરી -ગોપીચંદને  આ વાતું  નડી  છે,
           પાર ઊતરવાની  અંતિમ  ઘડી છે !

જાતરા  જીવનની  પૂરી   થઈ   છે  આજે,
           શાને તું  અટકે છે ,પામર તન કાજે ? 
ભીડેલા    દ્વારોની   ખુલી  આજ  કડી  છે ,
            પાર  ઊતરવાની  અંતિમ ઘડી છે !
                               ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '




Monday, 13 November 2017

ગીત 

આખું  તે  આયખું  સાહ્યબાને  દીધું  ને,
         જીવીએ  શ્વાસો  ભરીને  અમે  ક્ષણ !
કોઈ   ન   જાણે   અંતરના   ઓટલે,
         બેઠું  છે કોણ ? કીડીને  નાખવા કણ !

વાસંતી  વાયરે  લહેરાતા  રહીએ, ને 
          ફાગણમાં     કેસૂડામાં    ખૂલીએ,
મોગરાના   ફૂલને   વેણીમાં  ગુંથીએ 
          ને  વડલાની  વડવાઈએ  ઝૂલીએ !
મોસમ  આ  કેમે  કરી  પાલવ ના છોડે,
           ને ઝૂમે છે  ઝૂલામાં માંહ્યલું જણ !
                                            0આખું....
ઊછળે  નજરુંમાં  ઘૂઘવતો  મહેરામણ,
            'સાંભળો  છો ? 'સાદ અમને પજવે 
મહેંદી  મુકાવીએ  એમના  તે નામની,
            લાલચટક  રંગ  વેશ  અહીં ભજવે !
છાનું  ને  છપનું   સપનું  જોઈ  લઈએ,
            આવે  ને   જાય    ઓરતાંમાં રણ  !
                                            0આખું...
ચાર  ફેરામાં  ભલે  અમે  રહ્યા આગળ,
            પાંચમો   ફેરો ,  સાધનાનો    સૂર ! 
સપ્તપદીના   સાતે   સાત    પગલે ,   
              ઝળક્યું  '  તું    દાંપ્ત્યનું    નૂર !
સાહ્યબાના  નામનું     મીંઢળ બાંધ્યું અમે,
               રક્ષા  કરશે   હવે ગૌરીનાં  ગણ  !
                                             0આખું...
                            ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '               

       
          
ગીત 

આખું  તે આયખું   સાહ્યબાને  દીધું  ને ,
           જીવ્યા  શ્વાસો  ભરીને  અમે ક્ષણ !
ભઈ  !કોઈ  ન જાણે , અંતરના  ઓટલે,
           બેઠું  છે કોણ  કીડીને નાખવા કણ ?

વાસંતી   વાયરે   લહેરાતા  ર હીએ  ને,
            ફાગણમાં    કેસૂડામાં    ખૂલીએ  !
મોગરાના    ફૂલને    વેણીમાં   ગુંથીએ ,
             ને   કદંબની  ડાળીએ  ઝૂલીએ !

મોસમ  આ  કેમે કરી  પાલવ ના  છોડે , 
            ઝૂમી  રહ્યું   છે  એક -એક  જણ !
                                              0આખું..
ઊછળે    નજરુંમાં  ઘૂઘવતો  મહેરામણ, 
            ને નદીઓના  નીર  પણ  પજવે !
સખીઓ  ભેગી થઈ ગામના પનઘટ પર,
              હૈયાની   મીઠી    વાત   ગજવે !

છાનું    ને    છપનું   સપનું    જોઈ  લઉં ,
              ને    કૂદી પડે  ઓરતાંમાં   રણ !
                           ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


                 



Friday, 10 November 2017

પાણી 

પાણી   એકાંતરે  આવે, નથી  નવાઈ ,
ચૂંટણી   સાથે   થઈ   છે એની સગાઈ.

પાંચ-છ  દિવસે,માંડ મોઢું  દેખાળતો,
હવે તો  રોજ  મળવા  આવે છે  ભાઈ.

બિચારી સંસ્કારી પ્રજા હરખે  ઘેલથી,
અરસપરસ   હોંશથી  આપે   વધાઈ.

ચમત્કાર  છે તમારા નિર્જીવ  મતનો,
સમય   આવ્યો  છે  એટલે સુખદાયી.

બસ એટલું  કહો  નેતાઓને  કાનમાં,
કેમ   વિચારો  છો   અમારી   ભલાઈ ? 

અમારો કિંમતી મત તમને જ મળશે,
વચન  આપો  આપશો  સેવા સવાઈ ?

કાલે  હનીમૂન  કરવા   જશે  ચૂંટણી,
'કાન્ત ' શરૂ થઈ  જશે  એ જ ભવાઈ ?
                       ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '




Thursday, 9 November 2017

સ્પર્શ !

       હું  67 વર્ષનો  થયો  છું.મારી સાત દાયકાની  આ સફર ખૂબસૂરત રહી છે.
મેં  કશુંક  મેળવ્યું  છે તો  કશુંક   ગુમાવ્યું   પણ  છે. આ  જ  જીવનનો  ક્રમ  છે.
કશુંક આવે તો કશુંક જાય છે.જન્મ-બચપણ -શૈશવ -યૌવન.....એક પછી એક 
મને વૃદ્ધત્વ તરફ લઈ આવ્યા છે.પણ મને ઘરડો નથી કરી શકયા.આ તો માત્ર 
શરીરની એક અવસ્થા છે.
       સેવાનિવૃત્ત  થયે  પણ  આજ-કાલ  કરતાં  સાત વર્ષ નીકળી ગયાં.કોઈએ 
કહ્યું છે  નિવૃત્ત થાય એને માત્ર બે કામ હોય......pension  લેવાનું અને  tension 
દેવાનું.આમાં  હું પણ આવી જાઉં ને ?હા,નિવૃત્ત છું  એટલે આ વાક્ય  મને પણ 
લાગુ પડે.પણ એક વાત છે તમે  જિંદગીને કઈ રીતે જીવો છો એના પર ઘણું 
અવલંબિત છે.અભિગમ બદલે તો આ વ્યાખ્યા પણ બદલાઈ શકે.વિકસવું હોય 
તો નિવૃત્તિ પણ વિકસી શકે છે.
       આપણી નકારાત્મકતા  કોઈને  tension આપી શકે  પણ સકારાત્મકતા 
tension  દૂર પણ કરી શકે.જે માણસ નિવૃત્તિમાં -પૃવૃત્તિ શોધી શકે  એ કદીય 
કોઈ માટે કંટાળાનો પર્યાય ન બની શકે.હું પણ હંમેશાં ઘોંઘાટ વિનાની સક્રિ-
યતાનો ચાહક છું.હા,એમાં મારો ગ્રુપ,મારા સમવયસ્ક મિત્રો,મારો પરિવાર ,
મારી કવિતા મારી સાથે છે.મારા મોજીલા મનને કોઈ tension સ્પર્શતું નથી.
બાકી તો retirement  જેવો કદરૂપો શબ્દ એકેય નથી.
        મારી પોતાની એક દુનિયા છે.મારી સાંજને હું  walk-way પર રોજ  રળિ-
યામણી  કરું છું.કોઈ પણ  એજંડા વિના મિત્રો સાથે ગપ્પા પણ મારુ છું.સામા-
જિક કાર્ય કરું છું.મને મારા ગજા પ્રમાણે કશુંક મળી રહે છે.એદી  ની  જેમ 
ઘરમાં પડયા  રહેવાનું મને ગમતું નથી.'સાંધ્યદીપ'માં (વરિષ્ઠ કવિઓની 
સંસ્થા )કવિતાને વહેતી મૂકું છું.' surbhi grup of  music'ની બેઠકમાં સાયગલ,
હેમંતકુમાર,ગુલામઅલી,રફી,મુકેશ,મન્નાડે,કિશોરકુમારે ગાયેલાં ગીતો 
ગાઉં છું અને સાંભળું છું.લખું છું -વાંચું છું .આ મારુ રજવાડું છે.નવરાત્રિ 
જેવાં ઉત્સવોનું આયોજન કરું છું.મને જે ગમે છે એમાં તલ્લીન રહું છું .બીજાને 
બાંકડે બેસવાનું મને ગમતું નથી.
          હા.માત્ર ભૂતકાળને લઈ ને નહીં,પણ વર્તમાનને પણ સાથે લઈને 
ચાલું છું.ગાડું ચલાવતો .....આજે કાર પણ ચલાવું છું,ગિલ્લી -દંડે રમતો 
આજે ચેસ પણ રમું છું. ઇન્ટરનેટનો  વિવેકપૂર્વક ઉપયોગ કરું છું.હું કોઈને 
tension  આપતો નથી પણ આ દુનિયાનું tension મારાં ગીત,મારી ગઝલ 
ના માધ્યમથી દૂર કરવાના પ્રયાસ કરું છું.મારી કલમમાં શબ્દો પડઘાય છે
અને લાગણીઓ ટહુકા કરે છે.....મંદાક્રાંતા....અનુષ્ટુપ....ભુજંગી....બંધુએ 
સમેટી લઉં છું  મારી ભીતરે ..અને સંવેદના મ્હોરી ઊઠે છે.
                                                 ***  
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ભુજ,તા.18-11-2017 
        



    
ગઝલ 

ઉદાસી  નયનમાં  તરે  છે ,
ખભે  એ  અમારા  ઝરે  છે.

ઉમંગો   ખુશીનાં ઘવાયાં ,
બિછાને   પડીને   ડરે  છે.

બહારો  ચમનને   સજાવે,
હવે  એ   તમાશો  કરે  છે.

સુગંધી   હવાની  રવાની ,
ઝુરાપો  જિગરમાં ભરે છે.

ચહેરા   મહોરા   બધાંના,
જુઓને  શરમથી  મરે છે.

અમારા  ખુશીના મુકામો,
સિતારા   થઈને   ખરે છે.

ઘડીમાં  રિસાવું   તમારું,
નવું રૂપ   રોજે   ધરે  છે.
                ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '





Tuesday, 7 November 2017

ગઝલ 

કોણ    ઘૂંટે   છે   મને ?
રોજ   લૂંટે   છે    મને !

ફૂલ  છું  હું, એ  ગુનો ?
કેમ  ચૂંટે    છે    મને ?

શાંત  છું  હું  કબરમાં,
તોયે   ફૂટે    છે  મને !

બોલવા દે મન ભરી,
તુંય    ટોકે   છે  મને ?

આવ આવી જા કહી,
દ્વારે  રોકે    છે  મને ?

હું ગઝલનો બંધ છું ,
ગીત ગૂંથે  છે  મને !

ને  હવે  તો હદ થઈ,
તું જ   ધૂતે  છે  મને ?
           ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '





Sunday, 5 November 2017

કેમ  છે  ?

આજે સવારે  મારા ઘરની  બાલ્કનીમાં 
બેઠેલી  દેવચકલીએ  મને  'happy birthday'
કહી પૂછ્યું  કેમ  છે ?
મેં કહ્યું ,અહીં  બધું  હેમ-ખેમ છે !
વહેતા  દાયકામાં  મૂકી છે  મેં 
છલકાતી-મલકાતી  જિંદગી .
સૂર  ને શબ્દની  મહેફિલ  સજાવું 
બની રહે  એ જ મારી બંદગી !
નથી  ભીનાશ  થઈ  ઓછી,
નથી  થયું  ભીતર ખાલી.
તાળું  વાસ્યું  નથી કોઈ દિ ,ખજાનાને 
લૂંટી જાય કોઈ તો દઈ દઉં  તાલી !
67 વરસેય  ઘડપણ  નથી  આવ્યું ઓરું  ,
તાજગી-ઉમંગ  મારી સાથે દોડે !
આજેય લાગે કે બેઠો છું  હું બાળપણને ખોળે !
જીવતર ને  જીવું  છું  હું  પળે પળ  મોજથી,
ને  અવરની  ખુશીઓમાં  રાજી !
હિસાબ તપાસું   હું મારી  જિંદગીના ,
બનતો નથી દુનિયાનો કાજી !
સૂરજ  તો  ઊગે  ને આથમીયે જાય,
મારે  તો  ભાઈ, બધું  એમનું-એમ છે !
મેં કહ્યું અહીં બધું હેમખેમ છે !
                         ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '











Friday, 3 November 2017

ગઝલ 

અલક -મલક-તરક   કુરો   આય ?
નતો  ડિસજે  ઇ  ફરક  કુરો આય ?

ડટલ  આય  જમાનો  માઇતરેં જો,
ધરિયામેં  થ્યો  ગરક   કુરો  આય ?

કમ  કરમ આય,કમ કરે સે કરમીં ,
ચે  તો ધરમ  સે ,નરક  કુરો આય ?

હિકડ઼ે અખર જો જ સબધ  બંધાજે,
વડી   વારતાજી , સડક કુરો આય ?

અડ.ણ  મેં  રખોં તા તુલસીક્યારો,
વલો ઈ  વતન મુલક કુરો  આય ? 

કબૂડા ચુ ણેતા નેં  બાબીડા  રાજી,
શિકારી  જી રાડ,  હબક કુરો આય ?

બધે  તો  કવિ,લગાગા મેં કવિતા,
સટ કઢે ગઝલ ,ખુલક કુરો આય ?
                     ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

Wednesday, 1 November 2017

ગઝલ 

મળો  તો  સુહાની  ઘડી  છે,
અમે  તો  રવાની   કરી   છે.

ખુશીની    પળોને    વહેંચો,
ઉદાસી    કયારે   ફળી   છે ?

ગુલોની  જવાની  પજવશે,
ચમનમાં  ગુલાબી તરી છે.

દિલાસો  તમારો સલામત,
અમારી  દિશાઓ  ફરી   છે.

પહેરો  અમારા  અધર પર,
સુરાહી   નશામાં  પડી   છે.

નજરને  જરી  બોલવા  દો,
નયનથી નજાકત  સરી છે.

અસર છે તમારી  અહીં તો,
સુગંધી  થઈ  આ ગલી  છે.
               ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


સાહ્યબા !

રેશમિયા વ્હાલને   વરસાવ  તું  સાહ્યબા !
ગાલ પર નામ મારું  ત્રોફાવ તું  સાહ્યબા !

રૂમઝૂમતી , લજવાતી  લાગણીઓ  ફૂટી,
જોબનના  જોશને  લહેરાવ  તું  સાહ્યબા !

ઝાકળના   ટીપાંમાં    વનરાવન   મ્હોર્યું,
શ્યામને  સાદ પાડી,બોલાવ  તું  સાહ્યબા !

મધુવનમાં  પાંગરી  છે ,તારી-મારી પ્રીત,
નિજની નિકુંજમાં,એને રેલાવ તું સાહ્યબા !

ટહુકો  થઈ ,ઊગી   જા   પ્રેમના પ્રદેશમાં ,
મેઘને  આલી કોર  મોકલાવ તું  સાહ્યબા !

નભમાં  વિહરતા  ઓલા ચાંદાને ચૂમીને,
સ્વાદ તારા  હોઠનો ,ચખાડ   તું સાહ્યબા !

અંતરમાં અજવાળાં ,ઊમટ્યાં છે સામટાં ,
'કાન્ત 'ને  અમીપાન કરાવ   તું સાહ્યબા !
                          ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '