Friday, 30 October 2015

ગઝલ 

વિકટ  પંથના  ચાહક  હતા  સરદાર,
સ્વતંત્રતાના    વાહક  હતા   સરદાર.

નમ્ર, ઋજુ, સંવેદનશીલ  અને રમુજી,  
કૃષ્ણ  વચનના  પાલક હતા સરદાર.    

અખંડ  ભારતના એ  ભાગ્ય વિધાતા,
મુસીબતોના   મારક    હતા  સરદાર .

ગાંધી વચનમાં  હતી    અખૂટ  શ્રદ્ધા,
જવાહરના   સહાયક  હતા   સરદાર.

દુશ્મનોના એ પ્રાણઘાતક - વિનાશક ,
'કાન્ત'  લોખંડી  શાસક હતા  સરદાર. 

                        ***
-'કાન્ત'
ગઝલ 

દેશને  બધા  લૂંટવા  મંડી  પડ્યા  છે,
એક બીજાનું  ઝૂંટવા  મંડી   પડ્યા છે.

ગાંધી  હોય તોપણ એ શું   કરી  શકે ?
અહીં   આભ  તૂટવા  મંડી  પડ્યા છે .

ભગતસિંહનું   નામ  વટાવે   પ્રેમથી,
દોકડામાં   એ   ફૂટવા મંડી  પડ્યા છે.

સફેદ વસ્ત્ર-કોલસાનો કાળો કારોબાર,
લોકશાહીને   કૂટવા  મંડી  પડ્યા   છે.

ભારતમાતાની  આંખો  અશ્રુ  ભરેલી,
કાચી કળીને  ચૂંટવા  મંડી  પડ્યા છે.

                       ***
-'કાન્ત'

Thursday, 29 October 2015

ગીત 

ભેગું  થયું  છે આજે  આખું  ગામ !
પાડવું  છે  એનું  અત્તરીયું  નામ !

પાદરે  હનુમાનજીની  નાની દેરી,
એની  સામે  પડઘાતી   રોજ શેરી.
ઠાકરમંદિરમાં  ત્રીક્મજીના  ધામ !
                                         0ભેગું...
પનઘટ પર ચૂંદડીઓ ચોવટ કરે,
જાતે લહેરાઈને તાંબાની હેલ ભરે.
મારગની કેડી પર પગના વિશ્રામ !
                                          0ભેગું...
પૂનમની રાતનો જ્યાં ચાંદો  ખીલે ,
રમવાના ઓરતાં  ઝૂલણીએ  ઝૂલે. 
કામદેવ ઘાયલ;યૌવનના  દમામ !
                                          0ભેગું...
સંધ્યાના  સંગાથે  ઝાલરીયું  વાગે,
કામ, ક્રોધ, મોહ, મત્સર  દૂર   ભાગે.
નાદમાં  છૂટી જાય જો; ભેદ તમામ ! 
                                          0ભેગું...
વારી વારી જાઉં;હું  બલિહારી જાઉં,
રોટલો- છાસ-ડુંગળીની પાડ  ખાઉં. 
ભરેલું  તળાવ  છે 'કાન્ત'નું  હમામ !
                                           0ભેગું...

                      ***
-'કાન્ત'












ગઝલ 

ભૂલ  છે  તો સ્વીકાર કર,
અન્યથા તું  પડકાર  કર.

દોરંગી   છે  આ  દુનિયા,
ખુદથી  ના  તકરાર  કર.

સત્યમેવ જયતે સત્ય છે,
અસત્ય, ના દરકાર  કર.

કોઈ જો સામે ચડી આવે,
સામનો કર,લલકાર કર.

બાપુઓનો  પીછો  છોડ,
ઇષ્ટની જયજયકાર કર.

માનવ થવું છે  જો  તને,
'હું ' પણાને  હદપાર કર.

              ***
-'કાન્ત'


ગઝલ 

દ્વાર  નવા  તું  ખોલ  હવે,
મારગમાં  તું   ડોલ   હવે.

છીપ  હશે તો મોતી  થશે,
સાગરને  કર   કોલ   હવે.

હાથ  કરે  એ  જાપ  નથી,
છોડ  નકામાં   તોલ   હવે.

કોણ હશે ઝાંપા પર  ત્યાં?
ખોલ  હવેલી   બોલ  હવે.

છંદ  પરે  છો  બોજ    રહે,
ગીત  રચી  લે લોલ  હવે.

પ્રેમ   કરે  છે  એય   તને,
'કાન્ત' કરી લે મોલ  હવે.
-'કાન્ત'

Wednesday, 28 October 2015

અશ્રુવન 

આજે  તને  અલપઝલપ જોઈ,
મારી આંખોમાં  અશ્રુવન  ઊગી  નીકળ્યાં  !
એ  અશ્રુવનનો  છાંયડો ન કરી શક્યો હું ...
ક્યાંથી કરી શકું ...કેમ કરી શકું ?
પેલી ઢળતી સંધ્યાએ તો તારી 
સમક્ષ મેં અશ્રુઓ લહેરાવીને છાંયડો કર્યો હતો,
યાદ છે તને ?
એ પણ અશ્રુઓ હતા........
આજે પણ અશ્રુઓ હતા......
તો પછી આમ કેમ ?
એ જ આંખો.. એ જ અશ્રુઓ ???
પણ એ પીડા ક્યાં હતી !!!
એ સંધ્યાએ તો તારી પીડા 
અને મારા અશ્રુઓ હતા.
અને આજે તો પીડા પણ મારી,
અને અશ્રુઓ પણ મારા હતા !!! 
                    ***
-'કાન્ત'

Tuesday, 27 October 2015

ગઝલ 

વેદનાઓ   અપાર    છે,
જીવી  જવામાં સાર   છે !

જિંદગી  છે   જિંદાદિલી ,
આ પાર કાં પેલે પાર છે !

પડવું ; ફરી  ઊભા  થવું,
ઠોકરને સ્વ  પડકાર  છે !

અશ્વ પલાણો  વિજયના,
ધર્મયુદ્ધનો   સ્વીકાર  છે ! 

ઝેર કંઠે  ધારણ  કરી  ને,
'કાન્ત 'કૈલાશ તૈયાર છે !
              ***
-'કાન્ત'

Monday, 26 October 2015

ગઝલ 

તું  જયારે  ચાંદનીમાં  ન્હાય  છે,
મદન  પણ  ખુદથી  શરમાય છે !

ખંજન  ડોકાય  તારા  ગાલ પર,
હોઠ  પર  લાગણી  પડઘાય  છે !

એક  ટહુકો  વિસ્તરે છે  ડાળ પર,
પાનખર પણ  જરીક  રોકાય  છે !

કોઈ  અલૌકિક  પળની  સંગાથે,
સમય  પણ  પૂરેપૂરો  લંબાય છે !

ઓગળે   છે   તમસ    પ્રકાશમાં,
સ્વપ્ન  સોનેરી  ત્યાં  સર્જાય  છે !

નેણનાં  ગોખે  કીકી  દીપ  ટમકે,
હોઠ  પર જ્યાં ગઝલ  છેડાય છે !

શરદની  આ  ગુલાબી રાત પણ ,
ઢોલિયે -સ્પર્શમાં   વરતાય   છે !
                     ***
-'કાન્ત'

Sunday, 25 October 2015

ગઝલ 

હું  ક્યાં  તારાથી  દૂર છું ,
છું  ખરો; હું  મજબૂર  છું  !

શબ્દને  વાદળ  બનાવું,
ધસમસતો   હું   પૂર  છું  !

કોણ  તને આ  સમજાવે ?
શૂર નહીં ,હું  મનસૂર  છું  !

શ્વાસે શ્વાસે  શ્વસું  હું  તને,
પ્રાણવાયુથી ભરપૂર  છું !

પાદરમાં  વેરાય જો  તું,
ક્રૂર  નહીં ; હું  અક્રૂર   છું  !

ચાલ ;આજે આપી  દઉં ,
'કાન્ત 'બલિનો  નૂર  છું !
               ***
-'કાન્ત'
ग़ज़ल 

जख्म  लगते  हैं  कहां  दर्द  उभरता  है  कहां ,
मैं  गिरता  हूं  कहां  और  संभलता   हुं  कहां  !

अपने   घर  में    भी  आग  लगा  के  देख  लूं  ,
घर   जलता  है   कहां ; धुआँ  उठता  है  कहां  !

न  बेरुखी  से  मुझे  इस  तरहा  मुखातिब कर,
दिल  तड़पता  है  कहां , बदन  गिरता  है कहां  !

मेरा  इश्क  भी  है  नाजुक तेरे  बदन की  तरह,
मैं  पीता  हुं  कहां   और   नशा  चड़ता है  कहां  !

अभी  दूर है  उनकी पैरों की आहट की  आवाज,
'कान्त '  सुनता   है   कहां , बड़बड़ाता  है  कहां  !

                               ***
-'कान्त'

Monday, 19 October 2015

ગરબો 

માડી  તારો  ગરબો  ઝગમગ  થાય !
ચાચર     ચોકમાં   ચૂંદડી   લહેરાય !

બાળા બહુચર  માત   અંબા  ભવાની,
થઈ  ગઈ  છે આજ શક્તિની  રવાની !

માડી  તારો   તેજ  રાત્રીએ  પથરાય ,
નવલાં    નોરતાંમાં   ઘમ્મર  ઘૂમાય!

નવ નવ નોરતાં ના નવ નવ સ્વરૂપો,
નમતા   આવે  તને  પૃથ્વી પતિ ભૂપો !

માડી તારા  ગુણલા રોજ અહીં ગવાય,
ભક્તિ મૂકીને હવે કયાંયે  નહીં  જવાય !

દાનવોને હણનારી આશાપુરા માઈ તું,
ગરવા   મહારાષ્ટ્રની બળુકી  આઈ  તું ! 

માડી   તારા    રાસડા   અહીં    લેવાય,
'કાન્ત'થી  ભવાનીના રૂડા છંદો લખાય !
                         ***
-'કાન્ત'






Saturday, 17 October 2015

ગઝલ 

નવ   દિવસનો   તાપ  છે  નવરાત્રિ  !
મનની  માળાનો  જાપ  છે  નવરાત્રિ  !

નવ દુર્ગાની  હોંશે  આરાધના  કરીએ,
શક્તિની  ભક્તિનો  માપ છે નવરાત્રિ !

દુર્ગા, અંબિકા,કાળી  સ્વરૂપો માતાના,
દુર્બુદ્ધિનો   જરૂરી  કાપ   છે   નવરાત્રિ  ! 

ચાચર ચોકમાં આઈ  અંબા રાસ  રમે,
 નારાયણીનો  પ્રતાપ    છે   નવરાત્રિ !

ખેલૈયાઓ   રાસની   મોજમાં   ઝૂમતા,
સૂરોની સાધનાનો આલાપ છે નવરાત્રિ ! 

નવ   દિવસ    નોરતાંના   સાધનાના ,
જીવ અને આઈનો મિલાપ છે નવરાત્રિ  !

                          ***
-'કાન્ત'
  

Friday, 16 October 2015

ગઝલ 

કોણ  જાણે  કેમ  અહીં  આવી  ગયા,
એટલે તો  રસ્તા  બધા  ફાવી ગયા !

ક્યાં  ગયો  ગામનો  ચોરો  અને વડ ?
બાવળ   કોણ    અહીં   વાવી   ગયા ?

સો  ટચનું  સોનું ;નથી  અમે  પિત્તળ,
તાવનારા  અમને  પણ  તાવી  ગયા !

ડૂબી ગઈ સાંજ ;રજનિ દોડતી આવી,
સિતારા   પ્રકાશ  પુંજ   લાવી   ગયા !

શત્રુઓ  મારે   એનો  કોઈ  રંજ  નથી,
મિત્રો   જ  'કાન્ત'  ને    રડાવી  ગયા !

                        ***
-'કાન્ત'

Thursday, 15 October 2015

કવિત 

મથે મુગટાળી માતા જે  મડ વાળી ,
મા આશાપુરા તોજી અય બલિહારી !

તું હી તારણ 'તું હી મારણ ,નિવારણ,
દીનદયાળી  તું કચ્છ  જી ધણીયાણી  !

ચૂંદડી  તોજી  અય  મા   રંગરંગીલી ,
કરિયેં  વતનજી દસે દિશા રખવાળી!

દુઃખ- દર્દ- ડેણ- ડાકણ નાં સુણી ભજેં 
ચાચર  ચોકમેં  ભક્તેં જી  રંગ તાળી !

પૂરી કરિયેં માડી  તું આશા  અસાંજી ,
'કાન્ત' ભજે તો કે મા પાવાગઢવાળી !

                     ***
-'કાન્ત'

Wednesday, 14 October 2015

આશાપુરા 

શક્તિની  દાતા ,  આઈ  આશાપુરા !
ભક્તોની  માતા  ,આઈ  આશાપુરા !

જોગમાયા જોગણી નવખંડ બિરાજે,
અંતરની   જ્ઞાતા ,  આઈ  આશાપુરા !

માતાના  મઢમાં  મા નાં   છે બેસણા,
દે હૃદયની  શાતા , આઈ  આશાપુરા !

ચાચર  ચોકમાં  મા  ગરબે   ઘૂમતી,
ગુણગાન  ગવાતાં ,આઈ આશાપુરા !

માડી  તું    છે  કચ્છની    ધણીયાણી ,
કવિ  'કાન્ત' ગાતાં ,આઈ આશાપુરા !

                       ***
-'કાન્ત'



Tuesday, 13 October 2015

સ્તુતિ 

આઈ આશાપુરા મા તું મઢવાળી !
પાવાગઢે  બિરાજે  તું   મહાકાળી ! 

ચાચર ચોકમાં રૂડાં તારા  બેસણા,
ભક્તોની કરતી મા   પૂરી એષણા !

દુષ્ટોનું   તાડન;  સંકટ  નિવારણ ,
નવખંડની શક્તિનું ,કરતી ધારણ !

આઈ અંબા જોગમાયા  વેશવાળી !
ગરબે  ઘૂમનારને  દેતી  તું  તાળી !

નવ  નવ  નોરતાંના  રૂડાં  સ્વરૂપો,
તારી  શક્તિથી  કંપે અઘોરી  દ્વીપો !

રાક્ષસનું  મારણ;ભવ ભયનું હારણ,
ઊભી   શકે  ના  પાસે કોઈ અકારણ !

દુર્ગા ;મા ,તું ગબ્બરના ગોખવાળી,
'કાન્ત'  ભક્તિની કરતી રખવાળી !
                       ***
'કાન્ત'


Monday, 12 October 2015

ગઝલ 

ચાલ   સાથે  શ્વસીને   જોઈએ,
એકમેકમાં    વસીને   જોઈએ !

તારા ગાલ પર ખંજન પડે  છે,
આપણે  બેઉ  હસીને   જોઈએ !

લાગે  શમણાં  જો  સોનેરી તો,
હૃદય પટ પર કસીને જોઈએ !

ક્યાં એમ ને એમ મળે છે  કશું,
જરા જાતને   ઘસીને  જોઈએ !

ડંખ    પણ   ક્યારેક  સળવળે ,
ઈચ્છાઓને   ડસીને   જોઈએ !

                   ***
-'કાન્ત'
  




Sunday, 11 October 2015

ગઝલ 

કશુંક   મારામાં    પ્રવેશી  ગયું  છે,
અચાનક કોણ મને રહેંસી  ગયું છે ?

તારા  નયનમાં જ્યારથી  પુરાયો,
કાજળ ; કાળજામાં પેસી  ગયું  છે  !

ઘૂંટયા  કરું  છું   શબ્દોનો   એકડો,
ઘરની બાહર ;  રવેશી    ગયું  છે !

છે  દર્દ  મારું  અને  દવાએ  મારી,
ગળપણ  શરીરમાં બેસી  ગયું  છે !

તને  કોણે  કહ્યું'તું ,આશ્વાસન દેજે ?
'કાન્ત'   ભીતરે  કો  હોંશી  ગયું  છે !

                     ***
-'કાન્ત'

            








Friday, 9 October 2015

ગઝલ 

કીડીને  કણ ,ને હાથીને  મણ  હશે,
રેતી  ચોતરફ, નક્કી  એ રણ  હશે !

પેટ  દીધું   છે   જો  પરવરદિગારે ,
કંઈક  તો   અહીં  એનું  ભરણ  હશે !

છમ્મલીલું ઘાસ  ઊગ્યું  છે  ભીતરે,  
મન   મહીં ઝમઝમનું  ઝરણ  હશે !

ઝંપલાવી દે બેધડક ભવસાગરમાં,
અથાગ  જળ  છે, તો   તરણ   હશે !

છોડ કાશી ને  છોડ તું  હવે કાબાને,
એક   છેડે  જન્મ  ,બીજે મરણ હશે !

રામ દોડે છે બેબાકળા પંચવટીમાં ,
એમની આગળ સોનાનું હરણ હશે !

એકાએક  ડૂબવા  લાગ્યો  તરવૈયો,
છુપાયેલું  'કાન્ત' કોઈ  કળણ  હશે !

                         ***
-'કાન્ત'