Saturday, 18 November 2017

ગીત 

સદીઓની  તરશ  હતી ,ને  બાળપણની વય,
શૈશવ  અને  શમણાં વચ્ચે,નહોતો કોઈ ભય !

ઘરડો  વડલો સાદ  કરે ,પાદરમાં  જઈ પૂગું,
આમ્રકૂંજમાં  કોયલ  કૂકે  ,ટહુકે-ટહુકે    ખૂલું !
આથમતો  સૂરજ   બોલે,  અંધકારનો   જય,
શૈશવ અને શમણાં વચ્ચે,નહોતો કોઈ  ભય !

ખેતરમાં  તડકો  વરસે ,  ખડકીએ  ચોમાસું ,
આંખ ઝરે તો એવું લાગે,ક્યાંથી આવે  આંસુ ?
સમજણ વિના અંગે-અંગ વ્યાપી વડે સમય,
શૈશવ અને  શમણાં વચ્ચે,ન્હોતો  કોઈ ભય !

દાદાને મન  હું ચરકડી ,દાદીનું લીલું પાન ,
પાંચીકા હાથથી ઊછળે ,ભૂલું સાન ને ભાન.     
સાદો દાખલો   ન આવડે,શેં  ઊકલે  પ્રમય ?
શૈશવ અને શમણાં વચ્ચે ,ન્હોતો કોઈ ભય !

નાની મારી   આંખોમાં મોટાં  સપનાં આવે,
સૌ કોઈ  લાડથી મને,બ્હેનબા કહી બોલાવે.
નાચું-કૂદું-ઊછળું ને  સાથે નાચી ઊઠે  લય.
શૈશવ અને શમણાં વચ્ચે,ન્હોતો  કોઈ ભય !
                            ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '



       
    

No comments:

Post a Comment