Wednesday, 15 November 2017

ઝંખના  !

સામે    કિનારે    જો ને   નૌકા  ખડી  છે,
       પાર  ઊતરવાની   અંતિમ  ઘડી  છે !
શ્વાસને   સંકોરી   તું   શાંત   થઈ   જા,
       વાયુની  સાથે સાથે તું  પણ વહી જા !
એષણાઓ  પજવીને    ઘોડે   ચડી   છે,
        પાર  ઊતરવાની  અંતિમ  ઘડી  છે !

માલમુકુટને  જીવ  તું   બાજુએ  મૂકી દે,
        આંખના  આંસુને તારા હાથે  લૂંછી લે !
પૂછી લે ખુદને, અહીં  કોને કોની પડી છે ?
        પાર   ઊતરવાની   અંતિમ   ઘડી છે !

તનરંગ  કાચો   છે  જાતાં  વાર  ન લાગે,
         શાને તું આખો દિ 'રૂપ પાછળ ભાગે ?
ભરથરી -ગોપીચંદને  આ વાતું  નડી  છે,
           પાર ઊતરવાની  અંતિમ  ઘડી છે !

જાતરા  જીવનની  પૂરી   થઈ   છે  આજે,
           શાને તું  અટકે છે ,પામર તન કાજે ? 
ભીડેલા    દ્વારોની   ખુલી  આજ  કડી  છે ,
            પાર  ઊતરવાની  અંતિમ ઘડી છે !
                               ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '




No comments:

Post a Comment