ગીત !
સખીરી, કેમ કહું અંતરની વાત,
તરંગ લિસોટે ભીતર પડી ભાત !
અંધારું પળ બે પળનું જીવનમાં,
સખીરી,પછી ઊગે નવું પ્રભાત !
ઝળહળે દાંપત્ય ઝળહળે વેશ,
સાહ્યબો મારો વસે દેશ-વિદેશ !
નણદલના સ્નેહ ભર્યા વર્તનમાં ,
સખીરી,સાસરિયું થયું રળિયાત !
કદીક ઓરડે; એકાંત ટકોરા મારે,
ઢોલિયાના સળ મારા એ ને ધારે !
બાઈજીના તુલસીદલ દર્શનમાં,
સખીરી, બની છું હું ઉજળિયાત !
પાનેતરનું પોત ફેરાના ડગલા ,
ઉકેલું છું હું સપ્તપદીના પગલાં !
સસરાજીના હેતાળ મન દર્પણમાં ,
સખીરી, મને દેખાય મારા તાત !
ઘર આંગણીયે કૂણો તડકો ચમકે,
માંહ્યલો મારો અભિનવ છંદે મલકે !
દિયરજીના ભાભી શબ્દ અર્પણમાં ,
સખીરી,કવિતા રચે છે જો 'કાન્ત'!
***
-'કાન્ત'
No comments:
Post a Comment