Monday, 9 December 2019

ગીત 

કોરી ધાકોર મારી આંખો 
      આંસુના ચાસ પડયા  ગાલ પર 
કેડી  કાંટાળી ,લંબાતી જાય,
       મીટ માંડી  બેઠું આ કોણ 
મારી  ચાલ પર ?

તગતગતો  તડકો  વાગે,
       વગડાના ઝાડ ખામોશ 
વહેલી સવારે  બેઠી 'તી 
       અહીં પાંદડા પર ઓશ  !

ઓળ -ઘોળ જાય મારી યાદો,
       મીઠા મધુરા એ વ્હાલ પર 
મીટ માંડી  બેઠું આ કોણ 
       મારી  ચાલ પર ?

છાતી પર દરિયો  ચડી બેઠો,
       ઘૂઘવે   હૈયામાં  મોજાં 
નામ લીધું  જ્યાં રણનું,
        છૂટી  ગયા મારા રોજા.

ત્રોફાવ્યું  એક નામ હાથમાં 
       ઝબકી  ઊઠ્યું  એ ભાલ પર 
મીટ માંડી  બેઠું આ કોણ 
        મારી ચાલ પર ?

ઝૂકી ઝૂકી  આભ   જોયા કરે 
        ધરતી પણ  હોંકારો આપે 
ભીંજવી દે    જળની   છાલક 
        એક એક ડગલાને એ માપે 

હવે મન ને ન કોઈ આડશ ,
         ન કોઈ  શંકા  આવતી કાલ પર 
મીટ માંડી  બેઠું આ કોણ 
          મારી ચાલ પર ?
                    ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '







No comments:

Post a Comment