Saturday, 16 August 2014

                   ગીત 

તમે  એક વાર  આવો  ને  શ્યામ,
અહીં   ખોવાયું  ગોકુળિયું   ગામ  !

ફૂલને  પૂછું  હું  ભમરાને    પૂછું ,
આવે   આંસુ મારા હાથેથી લૂછું.
હું   તો  શોધું  રે  તારો    મુકામ!

યમુના છે કાળી કાળાવનમાળી ,
રાસ રમંતા તમે દેતા'તા તાળી .
કઈ  કેડીએ  અટક્યા છો  આમ !

દાણ ન માગે ન માખણ લુંટાવે ,
વનરા તે વનમાં ન કોઈ સતાવે.
અહીં ગોરસ મટુકીના થયા દામ !

મોરલી સૂની ને પનઘટ છે સૂના ,
ગાયોનાં પાંપણ છે ભીના ભીના.
ક્યાંથી  રહે હવે મારામાં    હામ !

ઝંખું બિંબ થઈ સુધબુધ તો ગઈ ,
રાધાની વેદના મૂંગી -સૂની થઈ.
મારે  પીવાં  ક્યાં  પ્રેમનાં   જામ  !

ચાંદો સળગ્યો -સૂરજ સળગ્યો છે,
કયો  મારગ  હવે તને વળગ્યો છે ?
કહે  ને  'કાન્ત 'ને રહેવું  કયે  ઠામ ?
--------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
--------------------------------------




.
   





         

No comments:

Post a Comment