Monday, 30 July 2018

ગીત 

હૈયાની  વાત  તમે જાણો  છો  સાજન !
શાને    કહીયે    અમે , દલડું  ખોલીને !
ઓળખાણ  આપણી ,સદીઓ જૂની ને,
આંખ  થાકી  છે, હવે  અમથું  બોલીને !

રૂપની  રંગત  મોરપિચ્છમાં  સમાણી,
જોઉં    કેટલા દિ '  કહો ,   હું    એકલી  ?
આભ જેવા આભને  થાક  લાગી જાય,
લાગે  છે  પાંપણો  ભારે  મને  એટલી  !

સમયને  સથવારે  ચાલો છો  સાજન !
કેમ   કરી   પહોંચી યે  અમે   ડોલીને ?
ઓળખાણ  આપણી  સદીઓ જૂની ને,
આંખ  થાકી  છે , હવે  અમથું બોલીને !

રસ્તાની  એક  કોર   સૂરજ   ઊગે  ને,
કેડીએ  પગરવની  આશ  મને મૂંઝવે,
તમારું તે નામ લઈ ,દોડી જાઉં રસ્તે,
ચકળવકળ  થાય ,  ઓરતાં , નેજવે !

પ્રેમના અણસાર ને  ઓળખો સાજન, 
આવી    છે  લયલા  સઘળું   છોડીને !
ઓળખાણ આપણી સદીઓ જૂની ને,
આંખ  થાકી   છે હવે અમથું બોલીને !
                       ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '



No comments:

Post a Comment