Monday, 17 September 2018

ગીત  !

ધસમસતો  આવે    છે  દરિયો  ને,
         ખારાં   ઊસ    એનાં  પાણી.
ઊછળતાં  મોજાંમાં,હું તો સમાણી !

દરિયાને  તીર   સેવું   છું  ઓરતાં ,
        ને   હોઠ પર એનું નામ ડોલે.
સાહ્યબો    સમાઈ   જાય   હૈયામાં,
         જીભ   મારી આવોજી  બોલે.

તરફડતી     માછલીના   શ્વાસમાં,
         કરચલા    કરે   છે  ઉજાણી.
ઊછળતાં મોજાંમાં  હું તો સમાણી !

આથમતા રવિને  હાલચાલ  પૂછું ,  
       ને  કંઈ   કેટલુંયે   એ  સં કોરે.
આવે    જો   મારી  આંખમાં આંસુ,
        દરિયાના  પાલવથી    લૂછું !

ભીના તે  સ્પર્શમાં  સઘળું ઓગળે,
        દરિયો લાવ્યો છે મને તાણી 
ઊછળતાં  મોજાંમાં  હું તો સમાણી !

દરિયો  મારામાં  નું   હું દરિયામાં,
        રણનો   અવાજ  પણ  ગૂંજે.
એક બાજુ  દરિયો ,એક બાજુ રણ 
        ગીત  મારું  આ બન્નેને બ્રૂજે .

ખારવણના  ડૂસકાં સંભળાય  ને, 
        વહી જાય કવિતાનું  પાણી !
ઊછળતાં મોજાંમાં  હું તો સમાણી ! 
                       ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '


         

        







         




No comments:

Post a Comment