Saturday, 4 January 2020

ચાલ  !

ચાલ, કબાટમાંથી  ઘરચોળું  કાઢ,પહેરી  લે,
રિસેપ્શનમાં  જઈએ . ઘરડા  થયા  તો  શું  થયું,
પાણીપુરી,દહીંવડા ,પંજાબી  વાનગી  ખઈએ  !

આજેય  તું  ખૂબ  સુંદર  લાગતી ,
જોઉં  તને,પાંચ  ફેરા  ને  અગ્નિસાક્ષી  જાગતી
અંબોડામાં  મોગરાની  વેણી  લગાવ,
આપણે  પણ  આ સમયની  સાથે  વહીએ !
0ચાલ...
ડોસો  થયો  હું, અને  તું  થઈ  ડોશી ,
જીવશો  બન્ને  સાથે , કહેતો 'તો  જીવરામ જોશી ,
લાલ  ચટક  ચંપલ  પહેરી  લે  પગમાં ,
હાથમાં  હાથ  નાખી  બન્ને લહેરાતા  રહીએ !
0ચાલ.....
સપ્તપદી  આખી  જીવ્યા  આપણે  સાચેસાચી,
એકેય  વાત  જીવનમાં ,નથી કરી કદી કાચી !
હવે  હાથમાં  મેંદી  મુકાવ  તું નવી ભાતની,
લોકોના  મોઢે  બેઉ  ચર્ચાતા  રહીએ !
0ચાલ......
જમાનો  તો કહેશે  કે, સાઠે  બુદ્ધિ  નાઠી ,
માન્યતાઓ  જુનવાણી  આજે દે તું દાટી
પગમાં  ઝાંઝર  ઝમકાવ
આમ જ છલકાતા  રહીએ !
0ચાલ...
આપણને  જોઈ ,નવું  જોડું જીવવાનું  શીખે,
એના  દાંપત્યને  પછી કોઈ નહીં  વીંખે .
હેરડાઈ  લગાવ  ને  વાળ  કાળા  કર ,
વટ  પડે  એવા  દેખાતા  રહીએ !
0ચાલ....
                          ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '





.


No comments:

Post a Comment