આમાર પખીર જાત !
આકાશ ઘેરાયેલું હોય, ગોરંભો થાય ,ઘટાટોપ ઘેરાય.. પછી બધું ગૂંચવાયેલું જ રહે....વરસાદને વરસતાં
જાણે કોઈ અટકાવી રહ્યું હોય.....આકાશને ગળે ડૂમો ભરાયો હોય....આપણાં મનની સ્થિતિ પણ ક્યારેક આવી
હોય છે. આકળ -વિકળ... કશુંક ઘૂંટાયા કરતું હોય મનમાં..કશુંક વ્યક્ત થવા છેક કંઠ સુધી આવીને અટકી ગયું
હોય. કહું, કહી નાખું...પણ કહેવું કયાં જઈને ?મનની આ સ્થિતિ વિષે લોકસાહિત્યનો એક દોહરો યાદ આવી
જાય છે.
ન ચાં ત ઉધામા અચેં ,
ચોંધે જિભ ન વરઈ.
સહિયર ઇતરી ગાલમેં ,
જમાર સજી ઉસઈ !
ન કહું તો અજંપો રહ્યા કરે. અને કહેતાં પાછી જીભ વળે નહીં.આટલી અમથી વાતમાં જિંદગી આખી
નીકળી જાય. મનની આ વાતનું પગેરું ખીણથી ટોચ સુધી નીકળે.બંગાળના બાઉલ...અલગારી સંતો...હાથમાં
એકતારો લઈ ઘૂમ્યા કરતા હોય.ગીતો ગાતા જતા હોય.ચાલ્યા જ કરે.અરે ! મનથી તો ઊડતા હોય અને એમ કહે ,
આમાર પાખીર જાત !
આમાર હોઈટયા ચાલાર ભાઓ
જાનિ ના,
આમાદેર ઊડ્યા ચલાટ ઘાત !
અરે ભાઈ , અમારી તો જાત જ પંખીની. અમને પગ માંડીને ચાલવાનું ન ફાવે ,ઊડીને ચાલવાનું હવે અમને
ગોઠી ગયું છે. આવા બાઉલોની ગુરુવર રવીન્દ્રનાથ ટાગોર પર મોટી અસર.
મનેરે માનુષ હોઈ લે
મનેર કથા કઈઓ ના
કથા કઈઓ ના ,કથા કઈઓ ના
કથાર પંચે ભાઈ કી ના !
વાત જે મનમાં ઘૂંટાતી હોય , કહેવી હોય ,કહેવા હૈયું વ્યાકુળ હોય , પણ ભાઈ, મનનો માણસ મળે નહીં
ત્યાં સુધી વાત કહેવી નહીં. કવિ રાજેન્દ્ર શાહ કહે છે,
બોલીએ ન કંઈ
આપણું હૃદય ખોલીએ ન કંઈ
વેણને રે'વું ચૂપ
નેણ ભરીને જોઈ લે વીરા ,
વેણના પાણી જીલનાર
એ સાગર છે ,વા કૂપ !
અહીં મને મારી કાવ્ય પંક્તિઓ યાદ આવે છે......
किसी को अपने दिल की बात कहने से पहले सोच ले,
वो अनगिनत घटाओं से घिरा, आसमान तो नहीं है .
***
ચુપ રો , જેં તેં કે ચોજ મ તોજે ધિલ જી ગાલ,
કોય તોજા આંસુ પિયે પે , ગાલ મેં નાંય માલ !
***
કોને કહીશ તારા દલડાની વાત ,
હવે સાંભળતો નથી, જગતનો તાત.
યોગ્ય પાત્ર,મનનો માણસ ,સામે ન હોય તો વાતને મનમાં રાખવામાં જ ન મળે ડહાપણ છે. વાત કહેવા જ
બેસીએ તો તે સાંભળે સૌ , પછી કાનાફૂસી ,હસી હસી ને તાળી દે.દાદા મેકણ પણ કહે છે.....
ગુજારતજ્યું ગાલિયું ,વધી વડ થયું ,
ચંગે માડુએં ન પુછઈયું, મનજ્યું મનમેં રઈયું.
મનની ગૂઢ વાતો વધીને વડ થતી રહે પણ 'ચંગો માડુ ' સમજુ માણસ મળે ત્યાં સુધી કહેવાય નહી.
મનની વાતો તો ગૂઢજ રહેવાની.મેકણની વાત મેકણની રીતે....બાઉલની વાત બાઉલની રીતે ને આપણી વાત
આપણી રીતે। સૌને એ કાન ધરવા પોતપોતાની રીતે મનનો માણસ જોઈએ.તમારા મનને સમજે, તમારી વાત
મન દઈને સાંભળે,માનપૂર્વક અને મનપૂર્વક જાણે-પ્રમાણે. ક્યાં છે ? ક્યાં છે ? એવો મનનો માણસ ?