Tuesday, 11 November 2014

                                                      સ્પર્શ 

...હું  બગીચામાં  જાઉં  છું  ત્યારે  છોડ ,વૃક્ષ ,પુષ્પ,પાંદડા ,ઘાસ  બધાં ને  સ્પર્શું  છું .મને  એ 
ગમે છે.મારા  સ્પર્શનો  જવાબ  પણ  મને  મળે  છે. કારણ  સ્પર્શની  પણ  એક  ભાષા  છે.એ-
નો  આગવો  અર્થ  છે.આપણે  અનેક  રીતે  એક-બીજાને  સ્પર્શતા  હોઈએ  છીએ. લગ્નમાં 
સામૈયા  વખતે  હસ્તધૂનન ,પીઠી  ચોળતાં  વરરાજાને  થતો  સ્પર્શ, કપડું  ઢાંક્યું  હોય  ને 
બધાંની  હાજરીમાં  પાણીમાં  પૈસા  રમતાં  લાલકંકુના  જળમાં  થતો  વર-કન્યાનો  સ્પર્શ.

...સ્પર્શની  દુનિયા  છે. કયારેક  સ્પર્શથી  આનંદ, જરૂરિયાત ,ઈચ્છા,હૂંફ ,તોફાન.,વિશ્વાસ,
નિષ્ઠા,સાથ ને  વ્યક્ત  કરી  શકીએ  છીએ. તો  કયારેક ગણતરી પૂર્વકનો  'મેન્યુલેટિવ '
સ્પર્શ  પણ  વ્યક્ત  થતો  હોય  છે.પણ  આ સ્પર્શ  માટે  આપણું  જીવંત  હોવું  જરૂરી  છે.
આપણું  ભીતર  જો  સંવેદનશીલ  હોય  તો જ  આ  સ્પર્શની  ભાષા  ઉકેલી  શકાય છે. બાકી 
કવિ   સૌમ્ય  જોશી  લખે  છે, 'કહો  કયાંથી  ઉકેલું  ? ને  કેવો આ સંબંધ  છે  ? તું  લખે  છે 
બ્રેઈલમાં ,ને  હાથ  મારા  અંધ  છે.'

...સંજય લીલા ભણશાલીની  'બ્લેક 'ફિલ્મ સ્પર્શનું  ગીત  છે,કવિતા છે.'મુન્નાભાઈ  M B B S 
સ્પર્શનો  ઉત્સવ છે.મને  ફિલ્મ  'મુઘલે આઝમ 'નું  એક  દ્રશ્ય  યાદ  આવે  છે.આવું  અદભુત 
ચિત્રણ કે.આસિફ જ કરી શકે.અનારકલી (મધુબાલા) ને  સલીમ (દિલીપકુમાર )હોજની  પાળે 
પ્રણય ગોષ્ઠિ કરે છે.ચારે બાજુ વૃક્ષો ,લતામાં ફૂલો ,તાનસેનની સુરાવલી ,અનારકલીના ચહેરા 
પર સલીમ  નજાકતથી મોર પિચ્છ ફેરવે છે .આ મોરપિચ્છ  કલાકારની  પીંછી  ની  જેમ, ઊડતાં 
પંખીની  જેમ સરકે છે ત્યારે સમય થંભી જાય છે,શબ્દો રેશમી પોતમાં કેદ થઈ જાય છે.ફક્ત 
મૌનની,સ્પર્શની નયનોની ,સ્મિતની ભાષા એકબીજામાં ઓગળી જાય છે અને બધું જ પ્રવાહી 
પ્રવાહી થઈને સ્પર્શે છે.
...જરા યાદ કરો તો......! તમે  છેલ્લે  ક્યારે,કોને,ક્યાં,કેટલો વખત  સ્પર્શયા  છો ???ઝણઝણી 
ઊઠયા  છો???છેલ્લીવાર લીલાછમ્મ  ઘાસ  પર  ક્યારે  ચાલ્યા  છો???
                                                                ***
-'કાન્ત ' 


No comments:

Post a Comment