Wednesday, 20 March 2019

ફાગણિયો લહેરાય !

કેસૂડાની    ડાળે   ડાળે    ફાગણિયો   લહેરાય  !
પક્ષીઓના   માળે  માળે  ફાગણિયો  લહેરાય !

સીમ પડી તી સૂની,આજે વરણાગી થઈ જાગી,
કોયલના  ટહુકા પાછળ ,એ દોટ મૂકીને ભાગી.

મસ્ત  પવનની   હારે હારે  ફાગણિયો લહેરાય !
પક્ષીઓના  માળે  માળે    ફાગણિયો  લહેરાય !

મસ્તીમાં  છે  મસ્ત ગગન,સરવર ઉછળે છોળ,
ભીતરના  દરવાજા  તું   ઝટપટ ઝટપટ ખોલ.

બાવળિયાના  ચાળે  ચાળે ફાગણિયો લહેરાય !
પક્ષીઓના   માળે  માળે    ફાગણિયો લહેરાય !

ફાગણની  મસ્તી  ને  ફાગણની  છે  મોજમજા,
ઘરમાં  બેસીને   પાગલ, કાં દે  તું  ખુદને સજા ?

સરવરની તો  પાળે પાળે  ફાગણિયો લહેરાય,
પક્ષીઓના   માળે માળે,   ફાગણિયો  લહેરાય !
                              ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '

No comments:

Post a Comment