Friday, 27 March 2020

બાળક વિસ્મયનો વિષ્ણુ ભગવાન !
....બે વર્ષ પહેલાં રંગવાલા શિશુવાટિકાના (છઠ્ઠીબારી-ભુજ) વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં અતિથિ વિશેષ
તરીકે જવાનું થયું.ત્રણ થી ચાર વર્ષની વયનાં બાળકોએ સરસ મજાની પ્રસ્તુતિ કરી.કોઈ
હાથી તો કોઈ મોર બનીને પ્રેક્ષકોને હસાવતા રહ્યા.મજાની વાત તો એ હતી અહીં મોરને મેં
રડતાં પણ જોયો.મજા આવી ગઈ.
...સાચેજ બાળકો વિસ્મયના વિષ્ણુ ભગવાન લાગ્યા ! કોઈ પણ નાદ બાળકને ગમે છે.કદાચ
એટલેજ હાલરડું કે કોઈ પણ લયબદ્ધ રચના જો તમે ગાવ તો બાળક રડતું બંધ થઈ જાય છે.
માતાના હાથના સ્પર્શની જેમ શબ્દના નાદનો પણ સ્પર્શ થતો હોય છે.હું પોતે જે શબ્દનો જાદુ
અનુભવું છું એનાં મૂળમાં મારી મા ના કંઠે સાંભળેલા લોકગીત કે હાલરડાં છે.
...મને લાગ્યું કે આ શિશુવાટિકાના બાળકો પાસે અચરજનો વૈભવ છે.કોઈ હસતું કોઈ રોતું,
કોઈ ગુસ્સો કરતું....અનેક સ્વરૂપ આ ભુલકાંઓના! અને હા મારે કહેવું પડ્યું કે આ બાળકો
કેવું કરે છે એ અગત્યનું નથી,પણ જે કરે છે તે અગત્યનું છે.અને એમના આ વિસ્મયને તમારા
માની લીધેલા જ્ઞાનથી મેલું કરતા નહીં.
.... દરેકમાંથી અર્થ કાઢવો , એ મોટાઓનું કામ.બાળકને અર્થ સાથે લેવાદેવા નથી.એની
દુનિયાનું ગણિત જ જુદું.એની દુનિયામાં ટ્રેન આકાશમાં ઊડી શકે અને માછલી રસ્તા પર ચાલી શકે.ખિસકોલી અંબોડામાં ફૂલ ખોસી શકે અને સસલું બંદૂક ફોડી શકે.જિરાફ ગાડી
ચલાવતું હોય અને એ ગાડીમાં વાઘ અને બકરી પિકનિક પર જતાં હોય અને એ ગીત પણ ગાતાં હોય.
...મકરંદ દવે અને રમેશ પારેખ જેવાં કવિઓ પછી જામનગરના કવિ ભાઈ શ્રી કિરીટ
ગોસ્વામી સુંદર બાળકાવ્યો લખે છે.ગુણવત્તા સભર અને બાળકોના વિસ્મયને પાણી પાય એવાં કાવ્યો લખે છે.હું કોઈ પણ શિક્ષણના કાર્યક્રમમાં જાઉં ત્યારે કહેતો હોઉં છું કે આ
કવિના કાવ્યો બાળકો પાસે ગાઓ,એ મોઢે કરી શકે તો મોઢે કરાવો.કિરીટના બાળ કાવ્યોમાં
લય,માધુર્ય,અભિનય બધું જ છે.
-'કાન્ત '

No comments:

Post a Comment