--------------------------સ્પર્શ--------------------------------
...કચ્છનો પ્રદેશ ઝાડ-પાન અને મોટા વૃક્ષો વિનાનો સૂકો મુલક
જેની એક બાજુ રણ અને બીજી બાજુ દરિયો.હર્યા-ભર્યા મુલકની
કવિતા કરવી હોય તો સહેલ છે પણ કવિની આંખ તો ઉજ્જડ ધર-
તીની પણ કવિતા કરે છે!
-------------------કચ્છડો મુંજો કામણગારો --------------------
-------------------અય મુંજી અખીયેં જો તારો-------------------
-------------------કુરભાન કરિયાં તન,મન,ધન-----------------
-------------------જોગી જતિયેં જો અય ઓતારો ----------------
...આ જ કવિતાની લોકોત્તર આનંદ પ્રકટ કરવાની ગૂઢ શક્તિ છે.
કવિતાની આ શક્તિને બિરદાવતાં સુરેશ દલાલ કહે છે,' કવિતા મારી
તરસ છે,કવિતા મારી ગરજ છે,કવિતા મારો કર્મયોગ છે,કવિતાની
સોબતમાં મને "લાડ"અને "લોર્ડ"બન્ને મળ્યા છે.'જગન્નાથ,અભિનવઅને
કુંતક જેવા મોટા-મોટા સમર્થ આચાર્યોએ આજ સુધીમાં કવિતાની જુદી
જુદી વ્યાખ્યાઓ આપી છે.કોઈ 'વાકયં રસાત્મકં કાવ્યમ'-રસાત્મક વાક્યને
કાવ્ય કહે છે તો કોઈ 'શબ્દાર્થો કાવ્યમ'-શબ્દ અને અર્થ મળીને કાવ્ય બને
છે એમ કહે છે.તો કોઈ 'રમણીયાર્થ પ્રતિપાદક: શબ્દ: કાવ્યમ'-રમણીય
અર્થનો પ્રતિપાદક શબ્દ તે કાવ્ય છે'-એમ કહે છે.
...કવિતાને સાદી રીતે સમજવી હોય તો એમ કહી શકાય કે,કવિએ પોતે
અનુભવેલ કોઈ ભાવ કે ઊર્મિને સંવેદનામાં રસીને,એને શબ્દોમાં કંઇક
એવી લયબદ્ધ રીતે એ મૂકી આપે છે કે જે ગદ્ય થી નિરાળું એવું સર્જન બની
જાય છે.એટલે જ કવિ માટે પૂ.મોરારીબાપુ કહે છે,'ઉંબરાથી લઈને અંબર
સુધીની વાતો કરે એ કવિ',કવિતાનું પ્રાગટ્ય પરામાંથી થતું હોય છે.જેનું
પહેલું કિરણ પરામાંથી નીકળે,મધ્યમાંમાં જાય અને મજબૂરીથી એને વૈખરી
માં આવવું પડે.મુક્તિ તો પાપીને પણ મળે છે,કારણ કે મુક્તિ મેળવવી સહેલી
છે પણ મસ્તી મેળવવી અઘરી છે.અને આ મસ્તી કવિતાની દાસી છે!'
...કવિ કવિતા દ્વારા પોતાનો ભાવ ભાવકમાં સંક્રાત કરી શકે છે.કવિતામાં કવિ
શબ્દ અને અર્થ ને ઓગાળી રસ નિષ્પન્ન કરે છે.રસ એ "ટર્મિનસ"છે.કવિતાનું
છેલ્લું સ્ટેશન છે.કવિતા વિના શિષ્ટ સમાજની કલ્પના કરવી મુશ્કેલ છે.સાહિત્યના
દરબારમાં કવિતા એ રાજરાણી છે.ભાષાની એ કલગી છે.આવી ભમતા ભમરા
જેવી કવિતા કેમ કરીને ઝીલાય?કવિતા નહિ તો કયારેક કવિતાનો પડછાયો
ઝીલાઈ જાય તોય ધન્ય !બાકી હું તો એમ જ કહું.......'કવિતા માટે આ જીવન
કવિતા મારું રામરતન ધન!'
===================================================
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'(લખ્યા તા.21-03-2014,શુક્રવાર,11:53 AM )
-------------------------------------------------------------------------------
No comments:
Post a Comment