Friday, 18 September 2015

સંધ્યા -સાગર !

એક સાંજે ઘૂઘવતા સાગરે
ખીલેલી સંધ્યાને પૂછ્યું:
'તારી સોબતમાં મારી કાયાનો
રંગ બદલી જાય છે ;
અને હું અદભુત સૌંદર્ય પ્રાપ્ત કરું છું !
પૂછવું છે મારે તને એટલું કે
મારામાં નથી રૂપ કે નથી રંગ ,
છતાં કેમ કરે તું મારો સંગ ?
સ્વભાવ પણ મારો તરંગી
અને તું તો સપ્તરંગી !
મારા દેહના અણુએ અણુમાં ખારાશ 
હું તરસ્યાને કરું નિરાશ !
તેમ છતાં તું કેમ કરે મારો વિશ્વાસ ?'
સંધ્યા બોલી: 'હું બધું જાણું છું કે તું કેવો છે
પણ;મારા માટે તો તું દેવ જેવો છે !
હું ઓળખું છું તને ,તારા રૂપોને 
સવારના કોઈ શાંત તપસ્વી જેવો લાગે
બપોરના તું ખૂબ  તરડાય ,
સાંજના કોઈ પ્રેમી જેવો દેખાય !
રાતના જટાળા જોગી જેવો ભાસે !
તું ખારો  છે એ પણ હું જાણું છું 
પણ,તું જગત આખાનો કચરો ભેગો કરીને ,
એમાંથી અમૃત બનાવે છે !
તારામાં જે વિશાળતા અને મસ્તી છે
એ બીજે મેં કયાંયે જોઈ નથી !
તેથી જ હું મારું સર્વસ્વ તને અર્પણ કરું છું !
બોલ બીજું કંઈ કહેવું છે?'
સાગરે મૌન ધારણ કરી લીધું !
                      ***
(વજુ કોટકના પ્રભાતનાં પુષ્પને 'કાવ્યરૂપ')
-'કાન્ત'





1 comment:

  1. very nice collection...please publish as a Book...Good wishes...

    ReplyDelete