Friday, 4 September 2015

                             યોગેશ્વર શ્રી કૃષ્ણ 

     શ્રી કૃષ્ણના મહિમામંડિત વ્યક્તિત્વને સમજવા માટે એક જ વાક્ય પૂરતું છે કે એ  
કર્મયોગી સંન્યાસી હતા અને સન્યાસપૂર્ણ કર્મયોગી હતા.પાંચ હજાર વર્ષનો કાળ વી-
તી ગયો છતાં જેને કોઈ નિરસ બનાવી શકયો નથી.કાળનો પુરુષાર્થ જ્યાં વિરામ પા-
મ્યો,કાળ જ્યાં પરાભવ પામ્યો ત્યાં લોક હૃદયપર જેની હકૂમત ચાલતી રહી એવી 
કૃષ્ણ સિવાયની બીજી કોઈ વ્યક્તિ ઇતિહાસમાં જોવા મળતી નથી.
      કૃષ્ણના અનેક રૂપ છે.આપણે એમને કોઈ નિશ્ચિત ચોકઠામાં બાંધી શકીએ નહીં.
કૃષ્ણના અનેક નામ છે તેમ અનેક કામ પણ છે.ગોપીઓ પાસેથી માખણની દાણ વસૂ-
લ કરનારા શ્રીકૃષ્ણ,સ્નાન કરતી ગોપીઓના વસ્ત્રોને સંતાડી મૂંઝવનાર શ્રી કૃષ્ણ,દ્રૌ -
પદીના ચીર પૂરા પાડનાર શ્રી કૃષ્ણ-આ એ જ શ્રી કૃષ્ણ છે જે પૂતનાના સ્તન પરથી 
ઝેરના ચૂસી લે છે.આ એ જ કૃષ્ણ છે જે કાલી નાગનું મર્દન કરે છે.ગોવાળિયો થઈને 
ગાયો ચરાવવા જાય છે.અને સમય આવે ટચલી આંગળીએ ગોવર્ધન પણ તોળે છે.
એ રાસેશ્વર છે અને યોગેશ્વર પણ છે.એના હાથમાં વાંસળી છે.આ વાંસળી હૈયાને વીંધે 
એવી છે.એના હાથમાં સુદર્શનચક્ર પણ છે છતાંયે કૌરવો સાથેના યુદ્ધમાં એમણે એનો 
ઉપયોગ ન કર્યો.
        કૃષ્ણે સંન્યાસને પણ વેશાંતર નહીં પરંતુ અંતરાત્માનું રૂપાંતર કહ્યું છે.સંન્યાસ 
જીવનનો ત્યાગ નથી,પરંતુ જીવનનો વિશુદ્ધ પરમ યોગ છે.વાત તો ઊલટી લાગે છે,
પણ છે વિચારવા જેવી.શ્રી કૃષ્ણ આપણને એ સમજાવવા માગે છે કે,તમે જીવનને વા-
સના અને આકાંક્ષાઓમાં બાંધવાની કોશિશ કરશો તો જીવન તેટલુંજ તમારા હાથની 
બહાર રહી જશે.જીવનને ખુલ્લું રાખો.કારણ કે જીવન પોતે જ એક આનંદ છે.પલાયન-
વાદી સંન્યાસી બનશો તો ઈચ્છાઓ તો તમારો પીછો છોડવાની નથી.એવા સંન્યાસી 
રૂપે તમે જંગલમાં નવું મંગલ કરશો.કારણ કે સંન્યાસનું સરનામું સંસાર ત્યાગમાં નહીં 
પણ મનના સંયમમાં છે.
        કૃષ્ણનો આદર્શ ;ગૃહસ્થ ;પણ નિર્મળ વ્યક્તિત્વવાળા,ઈચ્છાઓને ઈશારે નહીં 
નાચનારા અણીશુદ્ધ સજ્જનો હતા.માણસ કર્મ વગર જીવી ન શકે એટલે કર્મ છોડીને 
ભાગવું એ તો પ્રમાદ થયો.શ્રી કૃષ્ણે કર્મને સમજવામાં થાપ ખાધી નથી.તેઓ માને છે
કે,કરવા જોગ હોય તે જ કર્મ.ઈચ્છાઓનો ત્યાગ કરો એટલે ખોટાં કર્મો સાથેનો નાતો 
અને તેનો ચસકો આપોઆપ ઘટવાનો.આ અર્થમાં જ કૃષ્ણે ફળની ઈચ્છાઓ ત્યાગ 
કરવાની વાત કરી છે.ઈચ્છાઓનું વર્ચસ્વ જ માણસ પાસે દુષ્કર્મ કરાવી જાય છે.શ્રી-
કૃષ્ણે એટલે જ એ વાત ઠસાવવાનો પ્રયત્ન કર્યો છે કે,ભાઈ તારી ઈચ્છાઓ ઘટશે એ-
ટલે બુરાં કર્મો આપોઆપ ઘટશે અને સારાં  કર્મો તારો સંગ છોડશે નહીં. 
      શ્રી કૃષ્ણ નિષ્ઠાવાન છે,એમનું મન નિષ્ઠાથી ભર્યું-ભર્યું છે.શ્રી કૃષ્ણ માને છે કે,માણ-
સ તો સારો જ છે.બસ એ ઈચ્છાઓનો નચાવ્યો ન નાચે.એ ઈચ્છાઓને છોડી દેશે એટલે 
એની ભીતર શુભત્વનો જન્મ થશે અને પછી જે કંઈ બહાર આવશે તે ઉત્તમ જ હશે,શુદ્ધ  
હશે.કૃષ્ણ અને દ્રૌપદીનો નામ વિનાનો એક સંબંધ છે.પુરુષ અને સ્ત્રી વચ્ચે આદર્શ મૈત્રી 
કેવી હોઈ શકે એનું એ ઉત્તમ ઉદાહરણ છે.કૃષ્ણ પાર્થ સખા છે એવી રીતે દ્રૌપદી સખા 
પણ છે.કૃષ્ણનું પાત્ર એક મેઘધનુષી  પાત્ર છે.એના એટલા બધા રંગ છે કે,પાત્ર શબ્દો 
માં પકડાય નહીં અને જકડાય નહીં.આપણાં તમામ દેવ-દેવીઓ પર નજર કરો.કૃષ્ણ 
જેવું હસતું,રમતું,ગાતું,નાચતું કોઈ પત્ર નથી.રજનીશ કૃષ્ણને 'Danceing God' કહે 
છે.ક્રીડા અને લીલા શું હોઈ શકે એનો અનુભવ કૃષ્ણ જ આપે છે.કૃષ્ણ સૌને સ્વીકારે છે.
કુબ્જા હોય કે રાધા હોય,ગોપી હોય કે મીરાં હોય એને કશું વર્જ્ય નથી.કૃષ્ણ સર્વસ્વીકૃતિ 
ના મહામાનવ છે.વાંસળી અને સુદર્શનચક્ર વચ્ચે એ સમતુલા જાળવી રાખે છે.એ જન્મ્યા 
કારાગારમાં અને મહિમા મોક્ષનો ગાયો.કૃષ્ણ આપણાં બધાના અંતર્યામી છે.આજે કૃષ્ણના  
જન્મદિને ફક્ત પ્રભુ તમે પધારો...એવા કાલાવાલા કરવા એ પૂરતું નથી પરંતુ કૃષ્ણે 
સૂચવેલા માર્ગ પર આગળ વધવા ;સંકલ્પ કરવાનો દિવસ છે.અનેક સમસ્યાઓ વચ્ચે 
ઘેરાયેલા શ્રી કૃષ્ણે ક્યારેય લાચારી કે દીનભાવ બતાવ્યો નથી.પછી એના આરાધકો 
આપણે પોતાના ઉદ્ધાર માટે એની પાસેથી કરુણાની ભીખ માગે એ કૃષ્ણને કેવી રીતે 
ગમે?કૃષ્ણના જીવન સંદેશનો આ ઉત્સવ ફક્ત બહારથી નહીં પણ અંદરથી પણ ઉજવો.
કારણ કે મળેલી આજ,આજની ઘડી રળીયામણી છે,વ્હાલો આવવાની વધામણી છે.......
એટલે કૃષ્ણને હરપળે તમારા મનના કારાગારમાં જન્મવા દો.
                                                           ***
-'કાન્ત'

      

     

No comments:

Post a Comment