Thursday, 23 October 2014

.....નૂતન વર્ષના મંગળ સુ-પ્રભાતના સોનેરી કિરણો પૂર્વાકાશમાં આશાનો નવો 
પ્રકાશ રેલાવી રહ્યા છે.જે વીતી ગયું છે તે પાછળ રહી ગયું છે.જે હવે આવવાનું 
છે તે આપણને આવકારવા તૈયાર છે.આસોની અમાવસ્યાનો જયાં અંત આવે છે ,
ત્યાં જ બરોબર નૂતન વર્ષનો પ્રાદુર્ભાવ થાય છે.કોઈ પણ અંત શૂન્યતા સર્જનારો 
હોતો નથી.અંતમાં કશો અભાવ શેષ રહેતો નથી.આરંભને એ છલકાવી દે છે.
.....વર્ષ પૂરું થયાના મૂર્હતે  નજર લંબાવીને જુઓ તો દેખાય છે શું ?મનને શાંત 
રાખીને નિર્વિચાર થઈને જુઓ ...અંતર મનનો પડદો હટાવી દો ...માત્ર ગતિ જ 
દેખાય છે.આવું દર્શન જેણે કર્યું છે તે કહ્યા વગર રહી શકયા નથી કે,નૂતનમાં 
માત્ર ગતિ જ ગતિ છે.ચેતના છે.કયાંયે જડતા દેખાતી નથી.
.....વિક્રમ સંવત 2070 ની ખાટી -મીઠી યાદો લઈને રાત્રિ વિખેરાઈ ગઈ છે.નવા 
ઉમંગો,નવા સંકલ્પો,નવી આશાઓને કૂખે તેડી નૂતન વર્ષ આવી ગયું છે.હવે 
તેને તમારા મનમંદિરમાં પ્રવેશવાની મોકળાશ કરી દો.જે જૂનું હતું તે ગયું...
ગયું તો ભલે ગયું ...કલ્યાણનું  જ એ સૂચક છે.નૂતન વર્ષ એટલે જ જૂનાનો પરિ -
ત્યાગ કરવાનો દિવસ.જૂનું જાય તો સતત નવા સત્યના દર્શન થાય.સ્લેટ કોરી 
થાય તો જ તેમાં નવું લખી શકાય.
.....આપણે સતત,પળેપળ જૂનાને ખાલી કરીએ અને નવાનો સ્વાનુભવ કરીએ 
તો એક વર્ષ જ નહીં પણ આપણું સમસ્ત જીવન મંગલમય બની રહેશે.જીવનમાં 
ક્લ્યાણકારી  તત્વો અને વિનાશકારી તત્વો બેય છે.પહેલાંના કરતાં બીજા વધુ 
આકર્ષક છે,ગમગમાટવાળા છે.ઇન્દ્રિયોને એ જ પ્રિય છે,અને આત્મા માટે એ જ 
અમંગળ છે.આટલું સમજાય કે તરતજ નૂતન વર્ષે શ્રેયની સાધના શરુ કરી દેવી. 
સૌથી વધુ મહત્વનું પરિવર્તન જીવનમાં આ જ છે.આવું પરિવર્તન કરવાનો અવસર 
પ્રતિપળે છે.પણ નૂતન વર્ષના આરંભમાં જ જો એવું પ્રગતિ પંથ પ્રયાણ,એવું નવ-
પ્રસ્થાન આપણે કરી શકીએ,ઘૂંઘટનો પટ જો આપણે ખોલી શકીએ તો પિયુના 
દર્શન અવશ્ય થશે.આવવા દો નૂતન વર્ષના આનંદને.જય હો એના આગમનનો !
સ્વાગતમ નૂતન વર્ષ !!!
-----------------------------------------------------------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'(લખ્યા તા.24-10-2014,શુક્રવાર,06:00A M )
------------------------------------------------------------------------------------------------

No comments:

Post a Comment