Saturday, 27 August 2016

સાંજ 

રજનીના  ખોળામાં   ઢળી  જતી  આ સાંજ,
રંગબેરંગી  રંગોમાં  ભળી  જતી   આ સાંજ.

આખા દિ'નો  થાક્યો , સૂરજ  હાંફવા લાગે,
તારલિયાઓ એની શક્તિને માપવા લાગે.

ઠંડા વાયરાને પળમાં,કળી જતી આ સાંજ ,
રંગબેરંગી   રંગોમાં , ભળી જતી આ સાંજ.

સીમ સીમાડેથી  ગાયોના ધણ પાછા આવે,
ખેડૂ , ખેતરેથી  ઘેર  આવી,સપનાં  સજાવે.

પરણેતરના ઓરતાંને મળી જતી આ સાંજ.
રંગબેરંગી  રંગોમાં  ભળી  જતી  આ  સાંજ.

ગોરંભાયેલું  આકાશ,એના  સ્વરૂપને  ઢાંકે,
એનેય ન સમજાય ,થાય છે આ કોના વાંકે ?

અકળાવતા ઘામમાં બળી  જતી આ સાંજ,
રંગબેરંગી  રંગોમાં  ભળી  જતી આ  સાંજ.
                           ***
-'કાન્ત'



No comments:

Post a Comment