Wednesday, 23 March 2016

રંગાઈ  જઈએ  !

ધૂળેટીની ધૂમ  મચી  છે ,ચાલો  રંગાઈ   જઈએ  !
કેસૂડાના   પર્ણે -પર્ણે   ચાલો   છવાઈ    જઈએ ! 

માનવ  હૈયું  મેઘધનુ  ને, રંગોની  ઊડે  બોછાર ,
ફાગ ગીતોની  સરગમ  ગાતી  રૂડો રાગ બહાર.

કોકિલાના  મીઠા  ટહુકે   ચાલો  ગવાઈ  જઈએ  !
કેસૂડાના    પર્ણે -પર્ણે   ચાલો    છવાઈ  જઈએ  !

વસંતના   પગલે-પગલે    ફાગણિયો   લહેરાય,
નઈ નવેલી  દુલ્હન સાહ્યબાના  સ્પર્શે  શરમાય .

વ્રજના પાદરની ગુજરીમાં ચાલો વેચાઈ જઈએ !
કેસૂડાના   પર્ણે -પર્ણે    ચાલો   છવાઈ    જઈએ  !

ફાંટ  ભરીને  મોસમ  લાવી  આનંદ ને  ઉલ્લાસ,
વૈકુંઠપતિએ  કર્યા   આજે   ધરતી  પર  નિવાસ.

વૃંદાવનની  કુંજગલીમાં  ચાલો  છુપાઈ  જઈએ  !
કેસૂડાના    પર્ણે -પર્ણે    ચાલો   છવાઈ   જઈએ !
                                 ***
-'કાન્ત'




No comments:

Post a Comment