ગીત
ઊંચકી ઉમંગ ઊભું છે આયખું,
.....એમાં વેદના સંવેદના ના પૂર !
વીંટળાતો જાઉં સગપણની વેલમાં,
.....મારે હૈયે વહે લાગણી ભરપૂર !
ઝરણાનું ગીત, વહે કલકલ સંગીત,
.....મળી જાય મને મનગમતી પ્રીત !
અર્થના સગપણને શોધું હું જયારે ,
.....ગૂંજી ઊઠે રૂડા સંબંધોના મીત !
વરસાદી સાંજે મારું તન-મન ગાંડુંતૂર,
.....મારે હૈયે વહે લાગણી ભરપૂર !
ઓણ સાલ જોવું હમીરસરનું છલકાવું ,
.......મોટા બંધમાં વરસાદનું મલકાવું !
આંખમાંના દરિયાને નીરખું હું ત્યારે,
.......ડાબી આંખનું ઓચિંતું ફરકાવું !
કૃષ્ણ રડે દ્વારિકામાં આંસુના ઘોડાપૂર,
.......મારે હૈયે વહે લાગણી ભરપૂર !
બારણે ઊભી ને કોઈ સાંકળ ખખડાવે,
.......હાક દઈ નામની મને ખળભળાવે !
દરવાજા ખોલવા દોડી જાઉં હું હરખાતો,
.......શ્રદ્ધા, ખોટી અવઢવને મારી ભગાવે !
નથી રહ્યો 'કાન્ત' આજે પોતાનાથી દૂર,
.......મારે હૈયે વહે લાગણી ભરપૂર !
***
-'કાન્ત'
No comments:
Post a Comment