Friday, 12 February 2016

                                          સ્પર્શ !
                                   40 વર્ષનું દાંપત્ય 
    13 મી ફેબ્રુઆરીની સવાર અમારા માટે 40 વર્ષનાં દાંપત્યના લેખાં-જોખાં લઈને આવી છે.
આ ચાર દાયકાના ગૃહસ્થ જીવનના પાનાં ઉથલાવીએ છીએ ત્યારે લાગે છે કે,અમે એવી રસા-
ળ  ભૂમિમાં જીવ્યા છીએ જ્યાં બધું જ ઊગ્યું છે.ક્યારેય કોઈ સ્પર્ધા નહીં ;દેખાદેખી નહીં.અમે 
એક-બીજાની વચ્ચે સમયને પૂરતો વહેંચ્યો છે.સુખનો આધાર પોતા પર રાખ્યો છે,બીજાના 
દુઃખ પર નહીં.માલિકી ભાવ ક્યારેય અમારી વચ્ચે આવ્યો નથી.
    આ ધન્યતાની ક્ષણો વૃદ્ધા અવસ્થામાં પણ સુખેથી શ્વસે છે ત્યારે પેલું વાક્ય યાદ આવે કે,
'પ્રેમ કરવો એટલે એક-બીજાની સાથે ખુશી-ખુશી વૃદ્ધ થવું.'અમારી વચ્ચેનો પ્રેમ અતિશયોક્તિ
નો,ઓશિયાળો કે મોહતાજ તો નથી જ રહ્યો. દુનિયા અમને જીવવા જેવી લાગી છે.જાળમાં 
માછલી ઊંચકી શકાય છે પણ આખો દરિયો ઊંચકી શકાતો નથી એ મર્યાદા સમજીને અમે 
અમારા સ્વજનોના શ્વાસને સુગંધિત કર્યા છે.
     જીવનનો મધ્યમ માર્ગ અમે સ્વીકાર્યો છે.'મિડીયોકર' ન થઈ જઈએ એની સાવધાની રાખી 
છે.આજથી ચાર દાયકા પહેલાં એક-બીજાના જીવનમાં અમારો પ્રવેશ થયો.એ ઘટના આજે 
પણ હૃદયમાં અવસર થઈને મ્હોરે છે.ઉંમરમાં ભલે મોટા થઈ ગયા પણ સ્મૃતિ રૂપી ગાભાને 
ભૂલી શકયા નથી. કવિ એલિયટે તદન અંગત પ્રેમનું એક નાનકડું કાવ્ય રચ્યું.પોતાની પત્નીને 
અર્પણ કરતા કહે છે કે,'આ મારા ખાનગી શબ્દો તને જાહેરમાં કહું છું.તું એવી છે કે મારા હોઠ 
પર શબ્દ આવે એ પહેલાં  જ તું એનો અર્થ જાણી લે છે.'
      મારા જીવનના બધા જ અર્થો સમજનાર મારી પત્ની માટે હું પણ અહીં એક કવિતા લખું 
છું  અને 'Happy Marriage Anniversary 'કહી મારી વાત પૂરી કરું  છું.  
                                              આજની સવાર કેટલી સુંદર છે !
                                               તારી આંખોમાં સપનાં જોઈને 
                                               હું મહાલ્યા કરું છું.
                                               અને તારા નયનોમાં અનિમેષ 
                                                જોયા કરું છું.
                                               મને શબ્દે-શબ્દે,
                                                તારા શ્વાસની સુગંધ સંભળાય છે.
-------------------------------------------------------------------------------------------------------------------
-'કાન્ત' 

  

No comments:

Post a Comment