Sunday, 10 April 2016

                              સ્પર્શ !

                                                અલ્પનો ત્રિભેટો !
    બહાર  અવાજોની  ચહલ-પહલ  હતી અને હું  હોટલ KBN  માં શબ્દોના વરસાદમાં 
પલળતો હતો.ટાણું હતું મારા મિત્ર કવિ /લેખક નવીન ત્રિપાઠી 'અલ્પ'ના વાર્તા સંગ્રહ 
'ત્રિભેટો'ની બીજી આવૃતિના લોકાર્પણનું.ત્રણ રસ્તાને મળતા જોઈ વાર્તાકારને પ્રશ્ન 
થાય અને એમાંથી જ જન્મે વાર્તાઓની હારમાળા !લેખકનું કામ જ અનહદની ઓળખ 
કરાવવાનું.એ વસંતનેયે  જોઈ શકે અને પાનખરને પણ જોઈ શકે.ભમરા અને પુષ્પનો 
સંવાદ સાંભળી શકે અને ઝાકળ ભીના ઘાસનો સ્પર્શ માણી શકે !
     નવીનભાઈના આ વાર્તા સંગ્રહમાં જીવન જીવવાની કળા દેખાય છે.અને કદાચ એ-
મણે સભાનપણે નહીં પણ સહજપણે લખ્યું છે.અને લેખકની કલમ આપમેળે જ વિકસતી 
હોય છે.ઝાડ કદી પોતાના વિકાસની ડંફાસ નથી મારતું !અને કવિ અને વાર્તાકાર એક જ 
વ્યક્તિમાં સમય ત્યારે લેખિની વિલસતી હોય છે.'ત્રિભેટો'માં એવું જ છે.'સોરી'થી કરીને 
'ત્રિભેટો'સુધીની ચૌદ વાર્તાઓમાંથી હું પસાર થયો ત્યાર લાગ્યું કે,સિત્તેર વર્ષના 'અલ્પ'
કયાંક શિશુ,ક્યાંક તરુણ,ક્યાંક યુવાન તો ક્યાંક વૃદ્ધના લિબાસમાં છે.
    પ્રથમ વાર્તાથી માંડી અંતિમ વાર્તા સુધી શીર્ષકો કર્તાના નામથી જ નિર્દેશાયા છે.લેખ-
ક જાણે એક પછી એક દ્વાર ખોલતા હોય એવું લાગ્યું.હું કોઈ વિવેચક નથી-ભાવક છું.અને 
એ જ દ્રષ્ટિથી મેં આ વાર્તાઓને જોઈ છે.કૃતિમાંથી પ્રગટતી નવીનભાઈની સર્જનમુદ્રા એ 
મને આકર્ષિત કર્યો છે.
      લેખકને આસપાસના વાતાવરણ,પરિવેશ,સંજોગો અને પ્રવર્તમાન જીવનમાં બનતા 
ઘટના-પ્રસંગોમાંથી  વાર્તાના મૂળ મળ્યા છે.એમની વાર્તાઓમાંથી જીવનની વાસ્તવિકતા 
ડોકિયું કરે છે.'સરી જતી સાલ ..' શિક્ષકને મળેલા રાજ્ય અને રાષ્ટ્રીય પારિતોષિક સામે 
નિર્મમ અટ્ટહાસ્ય કરે છે.'ફિફ્ટી ફિફ્ટી' જીવનને જ અડધું બનાવી નાખે છે.'ચકલીનો માળો '
વાર્તાનું શીર્ષક જ બોલતું છે.જયારે 'આસ્થા' એ માનવ મનનું દ્વંદ દર્શાવે છે.'ત્રિભેટો' ના 
શિક્ષકના ત્રણ સ્વરૂપો શિક્ષક,બ્રાંચ પોસ્ટ માસ્તર અને મંદિરના પુજારી મેં જોયાં છે.જેનું 
વાસ્તવિક નિરૂપણ નવીનભાઈ એ કર્યું છે.
     આ વાર્તાકારની વાર્તાઓ એક મીઠી સુંગધ લઈને સામી મળે છે ત્યારે ભાવકો એમાંથી 
પસાર થાય તો જ એ સૌરભને અનુભવી શકશે. નવીનભાઈ આ લેખન યાત્રા અવિરત 
ચાલતી  રહે અને આપણને નિત નવું પાથેય મળતું રહે એવી શુભ કામનાઓ !
                                                                  ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
(ભુજ-કચ્છ) લખ્યા તા.11-04-2016,સોમવાર.
  
       

No comments:

Post a Comment