Wednesday, 22 July 2015

ગીત 

તારી આંખોમાં વર્ષા થઈ છલકાઉં,
પર્ણ પર બેઠેલી બૂંદ જેમ હરખાઉં !

ખોબામાં હોઉં તારા, જળ સમેટીને,
બફારો  ને  ઘામ  સઘળુંયે  વેઠીને !
દરિયાનું  ઘૂઘવતું  ગીત   હું  ગાઉં !
                                         0તારી...

પ્રીત્યું મ્હોરે અષાઢી  સાંજે  સામટી,
પ્રિયતમ  મારો  વરણાગી  ગામઠી !
બારસાખે તોરણમાં ઢેલ થઈ જાઉં !
                                         0તારી...

પાદરમાં  ધ્રુબકે ઢોલ ને,હૈયું  નાચે,
રુદિયે પાડેલા અક્ષરો સાહ્યબો વાંચે !
સમણું  થઈને  એની આંખે  સમાઉં !
                                          0તારી...

સખીઓ  પજવે ને નણદલ પજવે,
વેશ જાજા તેઓ લાગણીના ભજવે !
અમથો વાય વાયરો ઓરડે ભરાઉં !
                                         0તારી ...

તમરાં બોલે ને અંધાર રૂડો લાગતો,
કાયા ,ને  'કાન્ત'  મનડું  યે  જાગતું  !
સભર સભર  લહેરાઈ  હું રે મલકાઉં !
                        ***            0તારી...
-'કાન્ત'







No comments:

Post a Comment