Wednesday, 15 August 2018

ગીત  !

થોડો વગડાનો  શ્વાસ  મારા શ્વાસમાં ,
ગીત    લહેરાયું  ,   અંતિમ  પ્રાસમાં !

ઝીણી ઝીણી ઝરમર,વરસે   વાદળી,
ભરી  લઉં બુંદોથી  ,હું  કંકુની દાબડી .
થયો  પ્રીતમનો વાસ  મારા  વાસમાં,
ગીત     લહેરાયું  ,  અંતિમ   પ્રાસમાં.

વેણીમાં  મહેક્યો ,શ્વેત ચટક  મોગરો,
કંકુનો ચાંદલો , ને  વાગે   છે   ઘૂઘરો !
 સઘળાં  ચોઘળીયાં શુભ,મધુમાસમાં.
ગીત     લહેરાયું ,  અંતિમ    પ્રાસમાં.

જલપરીનું  તરવું ,સરવર સપાટીએ,
ખુશ્બૂ  પ્રસરાવી, ભીની  આ  માટીએ.
ઓઢણી   ઓઢી  છે,પવનના ત્રાસમાં.
ગીત      લહેરાયું ,  અંતિમ   પ્રાસમાં.

કળીઓનાઘૂંઘટને,ખોલતો આ ભમરો, 
પરશે   અંગ-અંગ ,  સાગરની  લહેરો.
હું    તો  રહી  ગઈ , સાજન વિશ્વાસમાં .
ગીત     લહેરાયું,    અંતિમ    પ્રાસમાં.

વાટ  જોઈ   બેઠું    છું, ઘરના  બારણે,
કાગડો  બોલે   છે  આજ મારા આંગણે.
હું    તો   જીવું  છું, મળવાની  આશમાં,
ગીત     લહેરાયું ,    અંતિમ   પ્રાસમાં.
                       ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '









No comments:

Post a Comment