Tuesday, 16 June 2015

ભુજ બોલે છે 

રોજ  સાંજે હું હમીરસરની પાળે બેસું છું,
મારા નગર ભુજના આંસુ લૂછું છું !
એ મારી સાથે વાતો કરે છે,
મને ધરાઈ ધરાઈને જુએ છે.
હું ભરી લઉં છું મારી આંખમાં ,
પાંચ નાકાઓ...છઠ્ઠી બારી...
ભૂકંપ પછીનો વિકાસ !
ત્યાં મારા કાનને શબ્દો વીંધે છે.
'મારા ઓગન પર ઓવારણા લેનારા , 
તમે જ છો ને મને ગંદકી દેનારા ?'
હું જવાબ આપ્યા વગર ઉઠું છું.
વોક-વે પર મારી પદચાપ સંભળાય છે,
તૂટેલી લાઈટો,અસ્તવ્યસ્ત પથ ,
મને કરે છે અસ્વસ્થ !
ત્યાં કોઈક પથ્થરમારો કરે છે મારા ઉપર !
મને દુરસ્ત રાખનાર આ પથ પોતે દુરસ્ત નથી !
હું પ્રવેશું છું શહેરમાં ,
ખાણી -પીણી ની ગાડીઓ પર ચિક્કાર ગિરદી છે,
ખબર નહીં આમાં ભવિષ્યના કેટલા દરદી છે !
કચરાના ઢગ,ગટરની દુર્ગંધ,રખડતા ઢોરો,
કયાં એ કોઈને દેખાતા નથી !
દેખાય તો ,માત્ર ચર્ચાપત્ર લખીને કે ,
મારી જેમ કવિતા લખીને સંતોષનો ઓડકાર ,
લઈ લે છે લોકો !
લાઈટની છોળ ઉડાળતી મોટરોને જોઈને ,
ભુજ મને પૂછે છે ,
'આ બધાં બહુ ઉતાવળમાં લાગે છે ?
કયાં ને કેમ જાય છે ?
હું  હજુ સમજી નથી શકયો કે એ કોના માટે દોડે છે?
દોડતા લોકોને મારી પીડા કયાંથી સમજાય ?'
જુદા -જુદા માધ્યમથી હું રોજ સાંભળું છું ,
'અમે ભુજને સ્વચ્છ બનાવશું,એની છાતી પર,
રખડતા ઢોરોથી એને મુક્ત્તિ અપાવશું ,
પ્લાસ્ટિકના ઝબલાં ને નાખશું ડબલામાં !
અટલ મહેલ ને નહીં બનવા દઈએ દર્દીઓની ઝેલ !
કચ્છ યુનીવર્સીટી વિદ્યાનું ધામ બનશે !
ભુજિયાના 'સ્મૃતિ વનમાં' નિરાંતે બેસી વાગોળજો ,
તમે તમને !
હમીરસરને ,વિશ્વસુંદરી મોહી પડે એવું સજાવશું !
આ બધું સાંભળીને હું ખુશ તો છું.
પણ મને એ નથી સમજાતું કે આવું કરશે કોણ?
વોક-વે ને ખાઈ જનારા ?હમીરસરને ગંદુ કરનારા ?
મારા દેહ પર કચરો ફેંકનારા ?વૃક્ષોને કાપનારા?
પાણીનો વેડફાટ કરનારા?
કોણ કરશે આ બધું?
હા,એ જ કરશે જેમણે આ જ દિવસ સુધી કર્યું છે.
વર્ષોનો અનુભવ છે એમની પાસે !
તું શું કરી શકીશ ?
માત્ર ને માત્ર કવિતા લખીને પોરષાતો રહેજે!
હું મને મારા નસીબ પર છોડું છું  !
                                 ***
-'કાન્ત'   


No comments:

Post a Comment